અત્યાધુનિક સમયમાં પ્લાસ્ટિક કરન્સીનું મહત્વ વધી રહ્યું છે ત્યારે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન પણ વધુ પડતું થતું હોવાનું જોવા મળે છે. આવા સંજોગોમાં QR કોડ કે OTP ની પણ સહજ રીતે આપ – લે થતી હોય છે. જો કે, આવી આપ – લે કરીને ફ્રોડ કરનારા લોકોનો પણ તોટો નથી. ઓનલાઇનના રવાડે ચડેલા ફેશનેબલ અને ભણેલા – ગણેલા લોકોએ પણ પૈસા ગુમાવ્યાના દાખલાઓ જોવા જઈએ તો આંગળીના વેઢા પણ ઓછા પડે એમાં બેમત નથી.
આમાંથી એક ઉદાહરણ તો તમને આંચકો આપે એવું છે. ઉચ્ચ અભ્યાસ કરીને ડોક્ટર સુધી પહોંચેલા વ્યક્તિ સાથે પણ ફ્રોડ થતો હોય તો સામાન્ય માણસને તો online fraudથી કેવી રીતે બચવું એના કલાસ ભરવા જ જવું પડે એવું કહી શકાય. વાત એવી છે કે, એક ડોક્ટરને વીજળીનું બિલ બાકી હોવાનો SMS મળ્યો. એમાં જણાવ્યા મુજબ, જો તે પૈસા નહીં ચૂકવે તો તેના ઘરનું કનેક્શન કપાઈ જશે. જો કે ડોક્ટરે વિચાર્યું કે તેઓએ વીજળીનું બિલ તો ચૂકવી દીધું હતું.
એમ છતાં આવો મેસેજ ફરીથી આવ્યો કે જુના ભરેલા પૈસા કંપની વાળાને દેખાતા નથી. એના પછી એક એપ ડાઉનલોડ કરીને તેના કાર્ડની વિગતો દાખલ કરવાનું ડોક્ટરને કહેવામાં આવ્યું, ભણેલા ગણાતા આ ડોક્ટરે લાઈટ બિલ ભર્યું હોવા છતાં આ એપ ડાઉનલોડ કરીને પોતાની બેન્ક ડિટેઇલ આપી. પછી તો પૂછુવું જ શું.! આ ડોક્ટરના એકાઉન્ટમાંથી નવ લાખ રૂપિયાની માતબર રકમ ઉપડી ગઈ.
ડોક્ટરનો જ બીજો કિસ્સો જોઈએ તો, મુંબઈના વર્સોવામાં પણ આવો એક સાઇબર ક્રાઇમનો કેસ નોંધવા પામ્યો છે. આ કેસમાં ડોક્ટરે પોતાની પુત્રી માટે માત્ર 1,200 રૂપિયાના પુસ્તકો ઓનલાઈન મંગાવ્યા હતા. જો કે, આ પુસ્તકો મેળવવા માટે ડોક્ટરને વોટ્સએપ પર ક્યૂઆર કોડ સ્કેન કરવા માટે સમજાવવામાં આવ્યા. પુસ્તકો જલ્દી મેળવવાની ઉતાવળમાં ડોક્ટર જેવા ડોક્ટરે QR કોડ સ્કેન કરી દીધો. બસ, આટલી જ વાર હતી. આ ડોક્ટરને તેની પુત્રીના 1200 રૂપિયાના પુસ્તકો દોઢ લાખમાં પડ્યા.
આવા કિસ્સા તો છાસવારે જોવા મળતા હોવા છતાં આપણે છેતરાઈ જઈએ છીએ એ પણ એટલી જ કડવી હકીકત છે. અન્યને સલાહ આપનારા લોકો પણ આવા cyber crimeનો ભોગ બની ચૂક્યાના દાખલાઓ પણ ઢગલાબંધ જોવા મળે છે.