એવું લાગે છે કે આ વર્ષ ભારતીય ક્રિકેટરોમાં લગ્નનો મહોત્સવ ચાલી રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમ અને ફેન્સ માટે વધુ એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે. ભારતીય ક્રિકેટ ટીમનો વધુ એક ક્રિકેટર ઘોડીએ ચઢયો છે. જણાવી દઈએ કે 23 જાન્યુઆરીના રોજ ભારતીય ટીમના ઓપનર કેએલ રાહુલ અને સુનિલ શેટ્ટીની દીકરી અભિનેત્રી આથિયા શેટ્ટીના લગ્ન થયા હતા. હાલમાં ભારતીય ટીમના ઓલરાઉન્ડર ગુજ્જુ ખેલાડી અક્ષર પટેલ પણ લગ્ન બંધનમાં બંધાઈ રહ્યો છે. તેના લગ્નના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
અક્ષર અને મેહાની હલ્દી અને મહેંદીની વિધિ થઇ હવે અક્ષર અને મેહા પટેલ આજે સાત ફેરા લેશે.તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ છે. આ સમારોહમાં ક્રિકેટર જયદેવ ઉનડકટે પણ ભાગ લીધો હતો. અક્ષર પટેલના વરઘોડાના કેટલા વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.જેમાં તે પોતે ખુબ ઉત્સાહથી નાચી રહ્યો છે.
અક્ષર પટેલ અને મેહાએ પોતાની સંગીત સેરેમનીમાં પણ જોરદાર ડાન્સ કર્યો હતો. તેનો વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય મેહા અને અક્ષરની હલ્દીની તસવીરો પણ સામે આવી છે. તસવીરોમાં બંનેએ એક જ રંગના કપડા પહેર્યા છે. આ સાથે ગળામાં પીળા ફૂલોની માળા પણ જોવા મળે છે.
અક્ષર પટેલ અને મેહા લાંબા સમયથી એકબીજાની સાથે છે. બંનેએ ગયા વર્ષે સગાઈ કરી હતી. વ્યવસાયે મેહા એક ન્યુટ્રિશનિસ્ટ છે.તે સોશિયલ મીડિયા પર ડાયટ પ્લાન શેર કરતી રહે છે. ઘણી વખત તે અને અક્ષર સાથે રજાઓ પર પણ ગયા છે. તાજેતરમાં તેઓ અમેરિકાની મુલાકાતે ગયા હતા.હવે બંને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.