ભારતીય ક્રિકેટના પૂર્વ ખેલાડી ચેતન શર્મા વધુ એક વખત ચીફ સિલેક્ટર તરીકે વરાયા છે. તાજેતરમાં BCCI દ્વારા ટીમ ઈન્ડિયાની નવી સિલેક્શન કમિટીની જાહેરાત કરવામાં આવી હતી.
નવી સિલેક્શન કમિટીમાં પૂર્વ ક્રિકેટર ચેતન શર્માને નવા ચીફ સિલેક્ટર તરીકે ફરી એક વખત સિલેક્ટ કરવામાં આવ્યા છે. તેમની સાથે વધુ ચાર નવા ચહેરાઓ પણ આ નવી સિલેક્શન કમિટીમાં જોડાયા છે. T 20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ખરાબ પ્રદર્શનના કારણે BCCIએ તે વખતની સિલેક્શન કમિટી વિખેરી નાંખવામાં આવી હતી. ત્યારે તે કમિટીના ચીફ પણ ચેતન શર્મા જ હતા. જો કે, નવી સિલેક્શન કમિટીમાં ફરી એકવાર ચેતન શર્માને ચીફ સિલેક્ટર એટલે કે કમિટીના ચેરમેન બનાવ્યા છે. જ્યારે ટીમ ઈન્ડિયાની નવી સિલેક્શન કમિટીના બીજા સભ્યોમાં શિવ સુંદર દાસ, સુબ્રતો બેનર્જી, સલીલ અંકોલા અને શ્રીધરન શરથનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ માટે આ નવી સિલેક્શન કમિટી ટીમ નક્કી કરશે. શ્રીલંકા સામે T20 સિરીઝ રમી રહેલી ટીમ ઈન્ડિયા હવે પછી 3 વન-ડે મેચની સિરીઝ પણ રમશે. તેના પછી ન્યૂઝીલેન્ડ સામે સિરીઝ રમવાની છે. ત્યારે ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત આ નવી સિલેક્શન પેનલ કરશે. એટલું જ નહિ, T20ના કેપ્ટન તરીકે કોણ હશે તેનો નિર્ણય પણ આ નવી કમિટી દ્વારા કરવામાં આવશે.