હનુમાનજીના દર્શન માત્રથી ભક્તોના દુખ દૂર થાય છે. વિશ્વમાં ઠેર ઠેર કષ્ટભંજન હનુમાનજીના મંદિરો (hanuman mandir) આવેલા છે. એમ છતાં વિશ્વમાં ક્યાંય નહીં હોય એવું હનુમાનજીનું મંદિર મધ્ય પ્રદેશના ઇન્દોરથી આશરે ત્રીસ કિલોમીટરના અંતરે આવેલા સાંવરે ગામમાં જોવા મળે છે.
સૌ કોઈ જાણે છે કે હનુમાનજીની ઉપાસનાથી મનુષ્યની તમામ પરેશાનીઓ દૂર થાય છે. એટલું જ નહિ, તમામ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. હિંદુ ધર્મમાં સાત ચિરંજીવીઓમાંના એક હનુમાનજી ને માનવામાં આવે છે. હિંદુ માન્યતા અનુસાર હનુમાનજી દરેક યુગમાં પૃથ્વી પર રહે છે.
દેશમાં બજરંગ બલી ના એવા અનેક ધામ છે, જ્યાં માત્ર દર્શન અને પૂજા કરવાથી જીવન સાથે જોડાયેલા તમામ દુ:ખ દૂર થઈ જાય છે. આવું જ એક પવિત્ર ધામ મધ્યપ્રદેશના ઈન્દોર શહેરથી માત્ર 30 કિમી દૂર આવેલું છે. સાંવરે ગામમાં સ્થિત હનુમાનજીનું આ એકમાત્ર મંદિર છે જ્યાં ભગવાનની મુર્તિ છે. અહી ઉલ્ટા હનુમાનજીની જ પૂજા કરવામાં આવે છે.
વાત એવી છે કે, સાંવર ખાતે આવેલું હનુમાન મંદિર રામાયણ કાળનું માનવામાં આવે છે. એક માન્યતા અનુસાર ત્રેતાયુગમાં જ્યારે ભગવાન શ્રી રામ અને લંકાપતિ રાવણ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું તે દરમિયાન અહિરાવણે પોતાનું સ્વરૂપ બદલી નાખ્યું અને શ્રી રામની સેનામાં જોડાઈ ગયો. એક રાત્રે જ્યારે બધા સૂતા હતા ત્યારે અહિરાવણ ગુપ્ત રીતે ભગવાન રામ અને લક્ષ્મણ પાસે જઈને તેની માયાવી શક્તિથી તેમને બેભાન કરી દીધા. આ પછી તે અપહરણ કરીને ભગવાન શ્રી રામ અને લક્ષ્મણને પાતાળ લોકમાં લઈ ગયો. જો કે, જ્યારે બધાને આ વાતની જાણ થઈ ત્યારે પવનપુત્ર હનુમાન સ્વયં ભગવાન શ્રી રામ અને લક્ષ્મણની શોધમાં પાતાળ લોકમાં ગયા અને અહિરાવણનો વધ કરીને બંનેને પૃથ્વી પર પાછા લાવ્યા. હનુમાનજીએ કરેલી પાતાળ લોકની આ યાત્રા સાંવરેથી જ શરૂ થઈ હોવાની લોકવાયકા છે. જ્યારે હનુમાનજી પાતાળ લોક તરફ ચાલ્યા ત્યારે તેમનું માથું નીચે તરફ હતું અને તેમના પગ ઉપરની તરફ હતા. આ જ કારણ છે કે આ સ્થાન પર તેમના ઉલ્ટા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.
મધ્યપ્રદેશના સાંવરે સ્થિત ઉંધી હનુમાનની મૂર્તિને જાગૃત મૂર્તિ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે પણ બજરંગીના આ પવિત્ર ધામ પર હનુમાનજીની ઊંધી મૂર્તિની પૂજા કરે છે તેના જીવનમાં રહેલું સૌથી મોટુ સંકટ આંખના પલકારામાં દૂર થઈ જાય છે. આ જ કારણ છે કે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. એટલું જ નહીં, સતત ત્રણ કે પાંચ મંગળવાર સુધી પૂજા કરનારની મનોકામના પૂર્ણ થતી હોવાની શ્રધ્ધા પણ શ્રધ્ધાળુઓ ધરાવે છે.