આમ આદમી પાર્ટીની ગુજરાત ચૂંટણીમાં થયેલી ધોબીપછાડ પછી ગોપાલ ઇટાલિયાને પ્રદેશ અધ્યક્ષના પદ ઉપરથી હટાવી લેવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે, મુખ્ય મંત્રીના ચહેરા વાળા ઈસુદાન ગઢવીની વરણી કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હાર પછી આમ આદમી પાર્ટીમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં AAP ને 5 બેઠકો મેળવવામાં સફળતા હાંસલ થઇ હતી. જો કે, સરકાર બનાવવાના સપનામાં રાચતા અરવિંદ કેજરીવાલના સપનાઓ ચકનાચૂર થઇ જવા પામ્યા હતા. પરિણામે આમ આદમી પાર્ટીના સંગઠનમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં, પ્રદેશ પ્રમુખપદેથી ગોપાલ ઇટાલિયાને હટાવીને તેને નેશનલ જોઇન્ટ સેક્રેટરી તથા મહારાષ્ટ્રના સહ પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે ઇટાલિયાના સ્થાને ઈસુદાન ગઢવીને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. જ્યારે સ્ટેટ વર્કિગ પ્રેસિડેન્ટ (સુરત ઝોન) તરીકે અલ્પેશ કથિરીયાને મુકવામાં આવ્યા છે. તો સાઉથ ગુજરાત ઝોનના સ્ટેટ વર્કિંગ પ્રેસિડેન્ટપદે ચૈતર વસાવાને મુકાયા છે. ઉત્તર ગુજરાત ઝોનમાં
સ્ટેટ વર્કિંગ પ્રેસિડેન્ટ ડૉ. રમેશ પટેલને, તો જગમલ વાળાને સૌરાષ્ટ્ર ઝોનના સ્ટેટ વર્કિંગ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા છે. જ્યારે મધ્ય ગુજરાત ઝોનના સ્ટેટ વર્કિંગ પ્રેસિડેન્ટપદે જેવેલ વસરા અને કચ્છ ઝોનના સ્ટેટ વર્કિંગ પ્રેસિડેન્ટ તરીકે કૈલાશ ગઢવીની વરણી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 5 બેઠક જીતવામાં સફળ રહ્યુ હતુ. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠક જીતીને ઐતિહાસિક જીત મેળવી હતી. તો કોંગ્રેસ પણ માત્ર 17 બેઠક જીતવામાં જ સફળ રહી હતી.