શિક્ષણ સાથે કોઈ પણ ભૌતિક વસ્તુઓની સરખામણી થઇ શકતી નથી. શિક્ષણ મેળવ્યા પછી તે ખોવાઈ જવાનો કે ચોરાઈ જવાનો ડર રહેતો નથી. તો બીજી બાજુ, ભૌતિક વસ્તુઓની ચોરી કે લૂંટ થઇ જવાના બનાવો છાસવારે બનતા રહે છે. આથી જ આર્થિક સ્થિતિ સારી ન હોય તો પણ વાલીઓ પોતાના સંતાનને મોંઘીદાટ સ્કૂલોમાં દાખલ કરતા હોય છે. જો કે, કેટલીક સરકારી શાળાઓ પણ ખાનગી શાળાઓની હરીફાઈમાં ઉતરે એવી બની રહી હોવાનું જોવા મળે છે. આવી જ એક શાળાની વાત આપણે આજે અહીં કરવી છે.
પંચમહાલ, છોટા ઉદેપુર અને દાહોદ જિલ્લાને સ્પર્શતા સીમાડા ઉપર આવેલી કંડા પ્રાથમિક શાળા આવેલી છે. ખાનગી સ્કૂલને પણ ટક્કર મારે તેવી સુવિધાઓ આ શાળામાં ઉપલબ્ધ છે. આદિવાસી બાળકો શિક્ષણથી વંચીત ન રહે તે માટે શિક્ષકો દ્વારા અવનવા પ્રયોગો કરીને શિક્ષણ આપવામાં આવે છે. CCTV, R.O. પ્લાન્ટ, ફાયર સેફ્ટીના સાધનોથી સજ્જ આ શાળા કોઈ પણ શહેરની મોટી મોટી પ્રાઈવેટ સ્કૂલોને પણ ટક્કર મારે એવી છે.
આદિવાસી વિસ્તાર છોટા ઉદેપુર ખાતે આવેલી કંડા પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણ આવેલા છે. જેમાં 9 શિક્ષકો દ્વારા કુલ 303 બાળકોને ગહન શિક્ષણ આપવામાં આવે છે. તદુપરાંત કેટલાક પરિવારના મોટેરાઓ મજૂરીએ જતાં બાળકોના શિક્ષણ પર અસર પડી રહી હતી. આવા કારણોસર શાળા કંપાઉંડમાં જ સીઝનલ હોસ્ટેલ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં 50 બાળકો રહીને અભ્યાસ કરી શકે છે. ડુંગરાળ વિસ્તારમાં આવેલી આ શાળામાં મોટે ભાગે મજૂરીયાત અને ખેડૂત વર્ગના બાળકો જ અભ્યાસ કરવા આવે છે.
વનવાસી વિસ્તારની આ શાળામાં શિક્ષકો દ્વારા અનોખી રીતે શિક્ષણ આપવામાં આવે છે. જેમાં બાળકોને હરતા – ફરતા, રમતા – કુદતા શિક્ષણ મળે તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. કંડા પ્રાથમિક શાળાની અંદર બગીચો પણ બનાવવામાં આવ્યો છે. જેમાં ગણિતના વિવિધ આકારો બનાવવામાં આવ્યા છે. પ્રેક્ટિકલ શિક્ષણ મળી રહે તે માટે પ્રયોગોમાં આવતી કૃતિઓ પણ બનાવવામાં આવી છે. એટલું જ નહીં, ટપક સિંચાઇ પધ્ધતીનું લાઈવ ડેમોસ્ટ્રેશન પણ અહીં મૂકવામાં આવ્યુ છે. સાથે સાથે બાળકોને પાણીનું મહત્વ સમજાય તે માટે અને વેડફાતા પાણીનો કેવી રીતે ઉપયોગ થાય તેની સમજ પણ આપવામાં આવે છે. જેના માટે ટાંકીમાંથી ઓવરફલો થતું પાણી વેડફાઇ ન જાય તે માટે એક પાઇપ દ્વારા આ પાણી શાળાના બગીચામાં જ વપરાય તેવી વ્યવસ્થા રાખવામા આવી છે.
બીજી તરફ, ચકલી જેવા કેટલાક લુપ્ત થઈ રહેલા પક્ષીઓ માટે પક્ષી ઘર પણ બનાવવામાં આવ્યું છે. જો કે, શાળાના આવા સરાહનીય આ પ્રયત્ન પછી પણ ચકલી ભાગ્યે જ આ માળામાં આવે છે. એમ છતાં શાળાનો સ્ટાફ હિમ્મત હાર્યા વગર શાળાની તથા આસપાસના વિસ્તારની અને પર્યાવરણની પ્રગતિ માટે, સતત પ્રયત્નશીલ રહે છે.
સલામ છે, ગળાકાપ સ્પર્ધાના આ જમાનામાં ખાનગી શાળાથી આગળ નીકળી રહેલી આ સરકારી શાળાના સંચાલકોને.