પિતા બનવાની ખુશાલીમાં તમને એક સાથે ત્રણ મહિનાની એટલે કે 12 અઠવાડિયાની રજા મળે તો તમને કેટલો આનંદ થાય એ તો અનુભવથી જ કહી શકાય. હા, મહિલાને એટલે કે પ્રસુતાને રજા મળે એ તો સામાન્ય બાબત છે. જયારે તેના પતિ એટલે કે નવજાત બાળકના પિતાને પણ પત્નીને થયેલી પ્રસુતિ માટે રજા મળે અને એ પણ ત્રણ મહિનાની, એ બાબત કર્મચારીઓમાં ખુશીની લહેર દોડાવી દે એવી સાબિત થઇ શકે એમાં બેમત નથી.
વૈશ્વિક ફલક ઉપર અગ્રેસર એવું ફાર્મા કંપની ફાઈઝરમાં નોકરી કરતાં પુરુષ કર્મચારીઓ માટે કંપનીએ ખાસ ઇક્વાલિટી પ્રોગ્રામ હેઠળ નવી પોલિસી તૈયાર કરી છે. આ પોલિસી પ્રમાણે તેના પુરુષ કર્મચારીને પિતા બનવાથી 15 દિવસની જગ્યાએ 3 મહિનાની paternity leave મળશે.
કોઈ પણ વ્યક્તિ માટે પિતા બનવું એ ખૂબ ખુશીની વાત હોય છે. એ જ વાતને ધ્યાનમાં રાખી ફાઈઝર ઈન્ડિયા તરફથી એક ખુબ જ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ફાઈઝર ઈન્ડિયા કંપનીએ પોતાના કર્મચારીઓ માટે 12 અઠવાડિયાની પેટરનિટી લીવ પોલિસીની જાહેરાત કરી છે. ફાઇઝર ઇન્ડિયાએ એક ખાસ નિવેદન મારફતે આ જાહેરાત કરવામાં આવી છે. ફાઈઝર ઈન્ડિયા કંપનીએ ડાયવર્સિટી અને ઈન્ક્લુશન સાથે સંબંધિત તેની પહેલના ભાગરૂપે આ સરાહનીય પગલું ભર્યું છે. ફાઈઝર ઈન્ડિયા કંપનીની નવી પોલિસી ગત તા. ૧, જાન્યુઆરી, 2023 થી લાગુ થઈ ગઈ છે.
ફાઈઝર ઈન્ડિયા કંપનીની આ પોલિસી હેઠળ પિતા બનેલા કર્મચારીઓ બે વર્ષમાં આ રજાઓનો લાભ લઈ શકાશે. જો કે, પેટરનિટી લીવ લેનાર કર્મચારીએ એક સાથે ઓછામાં ઓછા બે અઠવાડિયા અને વધુમાં વધુ છ અઠવાડિયાની રજા લેવી પડશે.
ફાઈઝર ઈન્ડિયા કંપનીના વડાએ જણાવ્યું હતું કે, પ્રગતિશીલ કાર્યસ્થળ લોકોને પ્રથમ અપ્રોચ આપે છે. બાર અઠવાડિયાની પેટરનિટી લીવ પોલિસી પુરૂષ કર્મચારીઓને ખુશીની આ ક્ષણોનો આનંદ માણવા અને તેમના બાળક સાથે વધુ સમય વિતાવવામાં ચોક્કસપણે મદદ કરશે. પિતૃત્વની આવી સૌથી આનંદદાયક ક્ષણોને વધુ સારી રીતે માણવા માટે આ પોલિસી તેમની મદદ કરશે. કંપનીની આ પ્રગતિશીલ પોલિસી કાર્યસ્થળ પર પાવર ઓફ ઈક્વિટીનો ઉપયોગ કરશે એવો વિશ્વાસ કંપનીએ વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં ફાઈઝર કંપનીના કર્મચારીઓની સંખ્યા 5,500 ની થવા જાય છે. ભારતમાં મોટાભાગની કંપનીઓમાં પુરુષોને પિતા બનવા પર માત્ર 15 દિવસની જ રજા આપવામાં આવે છે.એટલું જ નહીં, પુરુષ પોતાની નોકરી દરમ્યાન માત્ર બે વખત પેટરનિટી લીવ લઈ શકે છે. આવા સંજોગોમાં ફાઈઝર ઈન્ડિયા કંપની દ્વારા કરવામાં આવેલી આ નવી પોલિસી જાહેર થતા કર્મચારીઓમાં ખુશાલીનો માહોલ પેદા થવા પામ્યો છે.