ગુજરાતી લોકો એટલે સ્વાદના ભારે રસિયા. એમાં પણ અમદાવાદમાં તો દિવસભરના કામના બોજથી હળવા થયેલા લોકો માટે ખાસ, મોડી રાત્રે ખાણી – પીણી બાઝાર ભરાય છે. ખાવાના આવા રસિયા અમદાવાદમાં દાળવડાના એક કાઉન્ટરનું લોકોને ઘેલું લાગ્યું છે. આવો આ દાળવડા વિષે થોડી વિગતો મેળવીએ.
કોલેજ રોડ અને પકવાન ચાર રસ્તા પાસે આઉટલેટ ધરાવતા ન્યુ ગુજરાત દાળવડા સેન્ટરના દાળવડાનો સ્વાદ અમદાવાદીઓને દાઢે રહી ગયો છે. આ દાળવડા ખરીદવા માટે તમારે કતારમાં ઉભા રહીને તમારો નંબર આવે એની રાહ જોવી પડે છે. આ દાળવડા ખાધા પછી ન્યુ ગુજરાત દાળવડા સેન્ટરનો કોઈ પણ ગ્રાહક “વાહ” પોકારી ઉઠે છે. આંબોળિયાની ચટણી, ડુંગળી અને મરચા સાથે પીરસવામાં આવતા ગરમાગરમ દાળવડા ખાવા એ અમદાવાદના મુલાકાતીઓ માટે એક લહાવો બની રહે છે.
બંને સ્થળો ઉપર આશરે 700 – 800 કિલો દાળવડાનું વેચાણ થાય છે. ચોમાસામાં આ આંકડો 1000 કિલોને સ્પર્શી જાય છે. અત્યંત મુલાયમ એવા આ ન્યુ ગુજરાતના દાળવડાનો આસ્વાદ માણીને અમદાવાદીઓ તૃપ્તિનો ઓડકાર ખાઈ રહ્યા છે.