માં એટલે ભગવાનનું બીજું સ્વરૂપ. પોતાના સંતાનના જીવન – મરણનો પ્રશ્ન હોય ત્યારે, જનેતા સમગ્ર વિશ્વ સાથે લડી લેવાની તાકાત ધરાવે છે. એનો જીવતો જાગતો દાખલો તાજેતરમાં હરિયાણાના ગુડગામ એટલે કે ગુરુગ્રામ ખાતે જોવા મળ્યો હતો.
સમગ્ર વિશ્વને અચંબામાં નાખી દેતી આ ઘટનાની વિગત એવી છે કે, હરિયાણાના ગુરુગ્રામના ચકરપુર વિસ્તારમાં 33 વર્ષની એક મહિલા રહે છે. મુનમુન માઝી નામની આ મહિલાએ પોતાના નાના બાળકને પોતાના જ ઘરમાંથી બહાર જવા ઉપર મનાઈ ફરમાવી દીધી હતી. આમ તો તેને કેદ કરી દીધો હતો એમ કહીએ તો વધુ પડતું નહિ ગણાય. કારણ કે, પોતાના આ પુત્રને મળવા માટે સગા પિતાએ પણ વિડિઓ કોલનો સહારો લેવો પડતો હતો. સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર અઢી – ત્રણ વર્ષ પહેલા આવેલો કોરોના આ માટે કારણભૂત હોવાની બાબત સામે આવી છે. મુનમુનના જણાવ્યા અનુસાર, કોરોના વિરોધી રસી આપી નહિ હોવાને કારણે તેણે પોતાના બાળકને આઇસોલેટ કરી દીધો હતો. આ મહિલાનો પતિ ઘરની બહારથી તેમને જરૂરી વસ્તુઓ આપતો હતો. જો કે, મહિલાએ તેને ઘરમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ લાદી દીધો હતો.
મહિલાનો પતિ ખાનગી નોકરી કરતો હોવા છતાં પત્નીની આ ઈચ્છાને માન આપીને, થોડા દિવસો તો અન્યત્ર પસાર કર્યા, પરંતુ આખરે અનિચ્છાએ તેણે પોતાને માટે બાજુમાં જ ભાડે મકાન લઇ લીધું હતું. આ મહિલા પોતાના બાળક પ્રત્યે એટલી હદે પઝેસિવ થઇ ગઈ હતી કે તેણે પોતાના પતિ, એટલે કે બાળકના પિતાને પણ ઘરમાં પ્રવેશબંધી ફરમાવી દીધી. એટલું ઓછું હોય તેમ, ગેસ સિલિન્ડર બદલવા માટે કોઈને પ્રવેશ આપવો ન પડે એટલે તેણે ઇન્ડક્શન ઓવનનો ઉપયોગ ચાલુ કરી દીધો હતો. કરિયાણા, શાકભાજી કે દૂધ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ બહારથી લાવીને દરવાજા સુધી પહોંચાડવાની જવાબદારી પતિને સોંપવામાં આવી હતી. તો સંતાનની ફી ભરવી કે બિલના પેમેન્ટની જવાબદારી પણ પતિના શિરે આવી પડી હતી. મુનમુને વર્ષોથી તેના મોટાભાગના સંબંધીઓ સાથેનો પણ સંપર્ક કાપી નાખ્યો હતો. જો કે, આ મહિલા તેના પુત્રને ઓનલાઇન કલાસમાં હાજરી આપવા માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરવા દેતી હતી.
પ્રારંભિક તબક્કામાં પતિ સુજાન માંઝીએ પોતાના પરિવારજનો અને પત્નીના પિયરિયાઓ મારફતે પુત્રને બહાર કાઢવાનો અને તેને મળવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમાં તેને સફળતા હાંસલ થઇ ન હતી. આખરે સુજને બાળ સંરક્ષણ વિભાગ, સેવાકીય સંસ્થા અને પોલીસનો સહારો લઈને પોતાની પત્ની તથા બાળક સાથે મિલન કરવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.
આ અંગે પોલીસ સાઈટની ટીમે સોમવારે પ્રયત્ન કર્યો પણ સફળતા મળી નહિ. આથી આ ટીમ મંગળવારે સવારે ફરીથી આવી હતી અને મુનમુનનું ફરી કાઉન્સિલ કરવાનો પ્રયાસ કર્યો હતો. અંતે બે કલાક બાદ, દરવાજો તોડીને માતા-પુત્રને બહાર લાવવામાં આવ્યા હતા. બંનેને આરોગ્ય તપાસ માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
સ્થાનિક સરકારી તબીબી વડા વીરેન્દ્ર યાદવે જણાવ્યું કે બંનેની સારવાર ચાલી રહી છે. મનોચિકિત્સકો સહિતની તબીબી ટીમ તેમનું અવલોકન કરી રહી છે. ડોકટરોએ ધ્યાન દોર્યું કે કોવિડ દરમિયાન અસ્વસ્થતાના કારણે સંખ્યાબંધ લોકોના વર્તનમાં ફેરફાર થયો હતો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર વિવિધ માહિતી અને ધારણાઓ પર આધારિત છે. નીર ગુજરાતી આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની સાચીતા અને પ્રમાણિકતાનો દાવો કરતું નથી.