ગુજરાત વિધાનસભામાં જવલ્લે જ બનતો બનાવ પંદરમી વિધાનસભામાં બનવા પામ્યો છે. વખતોવખત લીક થતા પેપરને કારણે હજારો ઉમેદવારોને થતી હેરાનગતિ રોકવા માટે ભાજપ સરકાર દ્વારા વિધાનસભામાં વિધેયક લાવવામાં આવ્યું હતું. જો કે આ વિધેયકમાં કોંગ્રેસ પક્ષના અર્જુન મોઢવાડીયા દ્વારા સુધારો કરવાની રજૂઆત કરવામાં આવતા, સત્તાધારી ભાજપ દ્વારા, કોંગ્રેસની વાતને સ્વીકારીને વિધેયકમાં સુધારો કરવામાં આવ્યો હતો.
ગુજરાત વિધાનસભામાં પેપર લીક વિરોધી વિધેયક પસાર કરવામાં આવ્યું છે. પેપરલીકના બનાવ રોકવા માટે સરકારે વિધાનસભામાં રજૂ કરેલા ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) બિલમાં જાહેર એટલે કે બોર્ડ- યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ આ કાયદાના દાયરામાં આવરી લેવામાં આવી હતી. જેના પરિણામે ધોરણ-10, 12 અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને, ગેરરીતિના કેસમાં, પોલીસના હવાલે કરી દેવા અંગેના મુદ્દાનો સમાવેશ થતો હતો. જો કે, કોંગ્રેસના ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયાએ નવલોહિયા યુવાનોનો આમાં સમાવેશ નહિ કરવા માટે રજુઆત કરીને માત્ર નોકરીની ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓને જ આ કાયદા હેઠળ સમાવાય તેવો સુધારો સૂચવ્યો હતો.
સત્ત્તાધારી ભાજપ સરકારે કોંગ્રેસનું આ સૂચન સ્વીકારીને કાયદામાં સુધારો કર્યો હતો અને તે પછી બિલ પસાર કર્યું હતું. સરકારે કરેલા સુધારા મુજબ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને યુનિવર્સિટીની પરીક્ષામાં આ કાયદા હેઠળની ગેરરીતિ કોઇ વિદ્યાર્થી આચરે તો તે મામલો, નિર્ણય માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા સંબંધિત યુનિવર્સિટી સમક્ષ મોકલવામાં આવશે.
પેપર ફૂટવા અંગે યોગ્ય કાયદો નહીં હોવાથી ગુનેગારો પકડાયા પછી પણ છટકી જાય છે. નવો કાયદો જલ્દી અસ્તિત્વમાં આવશે ત્યારપછી સ્પર્ધાત્મક પરીક્ષા લેવાશે. હાલ, આપણે અહીં 156 નહીં પણ તમામ 182 ધારાસભ્યોએ સાથે મળીને મજબૂત કાયદો બનાવવાનો છે. – હર્ષ સંઘવી, ગૃહરાજ્યમંત્રી
આ વિધેયકમાં નક્કી કરવામાં આવેલા નિયમો મુજબ, પરીક્ષાના આયોજન સાથે સંકળાયેલી વ્યક્તિની સંડોવણી હોય તો 5 થી 10 વર્ષની કેદ અને 10 લાખથી 1 કરોડ સુધીના દંડની સજાની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે પ્રશ્નપત્ર ખરીદનાર અથવા ગેરરીતિ આચરનાર ઉમેદવારને 3 વર્ષની કેદની સજા અને ઓછામાં ઓછો 1 લાખ રૂપિયાનો દંડ થશે. પરીક્ષા કેન્દ્રમાં અધિકૃત વ્યક્તિને પ્રવેશતા અટકાવવા બદલ 3 વર્ષની કેદ અને એક લાખનો દંડ ફટકારવામાં આવશે. જો કે, વ્યવસ્થાપક મંડળ અથવા સંસ્થાના કોઇ જવાબદાર વ્યક્તિ કે અધિકારી આ કાયદા હેઠળ શિક્ષાને પાત્ર ઠરતા હોય પરંતુ ગુનો તેની જાણ બહાર થયો હોવાની બાબત સાબિત કરવામાં સફળ થાય અને તેણે ગુનો અટકાવવા માટે તમામ કાળજી રાખી હોવાની બાબત પણ પુરવાર કરી શકે તો તે શિક્ષાને પાત્ર ઠરશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પક્ષની સરકારમાં વિરોધ પક્ષની વ્યાખ્યામાં બંધ બેસતા ન હોય એવા પક્ષની પણ રજૂઆત યોગ્ય લાગે તો સાંભળીને તેના ઉપર હકારાત્મક ફેરફાર કરવાનો અભિગમ ધરાવે છે તે સરાહનીય બાબત ગણી શકાય.