સંતાનોમાં ભેદભાવ કરતાં વાલીઓને લાલબત્તી દર્શાવતો કિસ્સો અદાલતના ધ્યાને આવ્યો હતો. જેમાં અદાલત દ્વારા વાલીઓને કડક સૂચના આપીને જણાવવામાં આવ્યું હતું કે, તમારા સંતાનોને નાની ઉમરથી પોતાની જાતિ એટલે કે, જેન્ડર પ્રત્યે વધુ પડતાં જાગૃત ન બનાવો. વાલીઓને વધુ પડતી જાગૃતિ, સંતાનોમાં હીન ભાવના પેદા કરે છે.
મહિલાઓને સમાન હક્ક આપતા ભારતીય કાયદાને ઘોળીને પી જતાં કેટલાક લોકો પોતાના સંતાનોમાં ભેદભાવ કરતાં જોવા મળે છે. જેના પરિણામે સંતાનમાં હીન ભાવના ઉત્પન્ન થાય છે. જો કે, જૂની વિચારધારાને વરેલા કેટલાક લોકો તો હજુ પણ દીકરા અને દીકરીમાં અંતર રાખતા જોવા મળે છે. આને કારણે કેટલીક વખત સંતાનો વિજાતીય આકર્ષણ ગુમાવી બેસતા હોવાની ઘટનાઓ પણ બનવા પામે છે. આવા બનાવોમાં સંતાન પુરુષ હોય તો સમલૈંગિક સંબંધો તરફ ખેચાય છે અથવા સંતાન જો સ્ત્રી હોય તો લેસ્બિયન બનવાની દહેશત વધી જવા પામે છે.
જેન્ડરના આધારે ભેદભાવ કરવો એટલે બંધારણનાં અનુચ્છેદ-14નું ઉલ્લંઘન કરવું. મતલબ, સ્ત્રી સંતાનને તેના મૂળભૂત સમાન અધિકારથી વંચિત રાખવી. આ બાબતને ‘જેન્ડર સ્ટેરિયોટાઇપ’ પણ કહેવામાં આવતું હોય છે. એક જ પ્રકારની વર્તણૂક, માન્યતાઓ અને લાક્ષણિકતાઓને જ્યારે એક જાતિ પર લાદવામાં આવે છે ત્યારે તેને ‘જેન્ડર સ્ટેરિયોટાઇપ’ કહેવામાં આવે છે.
કેટલીક વખત જેન્ડર સ્ટેરિયોટાઈપનાં કારણે આવા લોકોની લાગણીઓને ઠેસ પહોંચતી હોય છે. જેમાં સમલૈંગિક અને ટ્રાન્સજેન્ડર લોકોને પણ નુકસાન થતું હોવાનું કહેવાય છે. જેના પરિણામે આવા લોકોનો આત્મવિશ્વાસ ઘટે છે અને તેઓનાં માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડતી હોય છે.
નાના બાળકોને શાળામાં જેન્ડર સ્ટેરિયોટાઇપ વિચારો મગજમાં ઠાંસી દેવામાં આવે છે. આના પરિણામે તેઓ સમજવા અને માનવ લાગે છે કે, કેટલીક વસ્તુઓ માત્ર છોકરાઓ માટે અને કેટલીક વસ્તુઓ માત્ર છોકરીઓ માટે જ બનેલી છે. જેમ કે, શાળામાં કેટલીક વખત એવું કહેવામાં આવે છે કે, છોકરાઓ ગણિત અને વિજ્ઞાનમાં સારા હોય છે જ્યારે છોકરીઓ સાહિત્ય અને ભાષામાં સારી હોય છે. આવા સંજોગોમાં શિક્ષકો પણ વધુ અભ્યાસ અને કારકિર્દીની પસંદગી એ મુજબ કરવાની સલાહ આપતા હોય છે.
મહિલાઓ બહાર કામ કરવા ઉપરાંત ઘરે પરત ફરે ત્યારે ઘરનું કામ કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. જેના પરિણામે તેમના પર દબાણ વધે છે અને માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે. જ્યારે પુરુષોને માત્ર બહારનું કામ કરવાનું હોવાથી તેઓ ઘર – સંતાનોની જવાબદારી સ્વીકારતા જ નહી હોવાનું અનેક કિસ્સાઓમાં જોવા મળે છે.
કેટલાક વાલીઓના સંતાનમાં દીકરીઓ મોટી હોય અને દીકરો નાનો હોય ત્યારે તેઓ બળજબરીપૂર્વક બહેનોના વસ્ત્રો પુત્રને પહેરાવતા હોય છે. પરિણામે આવા સંતાનમાં જેન્ડર આઈડેન્ટિટી ડિસોર્ડરનો ભાવ પેદા થવાની સંભાવના વધી જાય છે.
કેટલાક વાલીઓ પોતાના સંતાનોમાં એટલા માટે ફરક કરે છે કે પોતાના બાળકો ગે અથવા લેસ્બિયન બની ન જાય. આવા માતા-પિતા હોમોસેક્સ્યુલિટીનાં ડરનાં કારણે જ પોતાના બાળકોની સાર-સંભાળ જેન્ડર સ્ટેરિયોટાઈપ કરતા હોય છે.
આમ, વાલીઓએ પોતાના સંતાનોમાં આચારેલા ભેદભાવને હિસાબે, સંતાનમાં લઘુતાગ્રંથિ પેદા થાવાની દહેશત રહેલી છે. મતલબ, વાલીઓએ પોતાના સંતાનને માનસિક સ્વસ્થ બનાવવું હોય તો છોકરા અને છોકરી વચ્ચેના ભેદભાવની રેખા ભૂંસીને બંને સાથે સમાન વર્તન કરવું જોઈએ એ, આજના સમયની માંગ છે.