રાજકારણી સાથે ક્યારેય લગ્ન નહીં કરવાનું નિવેદન કરી ચૂકેલી બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા હવે પોતાનું જ નિવેદન ફેરવી તોળવા જઈ રહી હોવાનું અનુમાન તેના ફેન્સ દ્વારા લગાવાઇ રહ્યું છે.
બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા નજીકના ભવિષ્યમાં સગાઈ કરવાના હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ ચર્ચાને સાચી માનીએ તો અત્યંત નજીકના ભવિષ્યમાં દિલ્હી ખાતે બંનેની રીંગ સેરેમનીનું આયોજન થવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.
અણગમતા વિકલ્પ ઉપર પસંદગીનો કળશ ઢોળશે પરિણીતી? :
લાંબા સમય પહેલા પરિણીતી ચોપરાએ આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે, રમતવીર થી માંડીને અભિનેતા સુધી કોઈપણ સેલિબ્રિટી સાથે લગ્ન કરી શકે છે. રાજકારણી બાબતનો મત પૂછતા પરણીતીએ જણાવ્યું હતું કે “મારી પાસે અન્ય ઘણા સારા વિકલ્પો છે”. આ ઇન્ટરવ્યુને લાંબો સમય વીતી ગયા પછી હવે પરિણીતી પોતાનું જ નિવેદન ફેરવી તોળવા તૈયાર થઈ હોવાની પ્રતીતિ થઈ રહી છે. પોતે જે વિકલ્પને સારો ગણાવવા માંગતી જ નહોતી એવો વિકલ્પ પસંદ કરવા જઈ રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જો આ વાત સાચી ઠરે તો પરિણીતી પોતાના જ નિવેદનને ફેરવી તોળતી હોવાનું પુરવાર થઈ શકે એમ છે.
હાલના સંજોગોમાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે જોવા મળી રહેલી પરિણીતી ચોપરા, હવે રાજકારણી સાથે જ સગાઈ કરવા માંગે છે કે કેમ એ બાબતે તેના ફેન્સમાં અનેક તર્કવિતર્કો સર્જાઈ રહ્યા છે.
પરિણીતીના નજીકના સૂત્રોનું સાચું માનીએ તો રાઘવ ચઢ્ઢા સાથે આ અઠવાડિયે સગાઈ થવાની હોવાની સંભાવના છે. દિલ્હી ખાતે યોજાનારી આ રિંગ સેરેમનીમાં બંને પક્ષના માત્ર નજીકના લોકોને જ બોલાવવાનું આયોજન ઘડવામાં આવી રહ્યું છે. પરિણીતી ચોપરાની બહેન પ્રિયંકા ચોપરા, તેની પુત્રી માલતી મેરી અને પતિ નિક પણ આ સમારોહમાં ઉપસ્થિત રહે તેવી આશા સેવાઇ રહી છે.
રાજકારણી સાથે લગ્નગ્રંથીથી નહીં જોડાવાનો નિર્ણય જાહેર કરી ચૂકેલી પરિણીતી, હવે થૂંકેલું કેમ ચાટી રહી છે એ બાબતે જોવા જઈએ તો, પરિણીતી અને રાઘવ ચઢ્ઢા બંને ઇંગ્લેંડમાં અભ્યાસ કરતા હતા ત્યારથી જ પરિચયમાં છે. રાઘવ ચઢ્ઢાએ લંડનની સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે જ્યારે પરિણીતીએ બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. એટલું જ નહીં રાઘવ ચઢ્ઢા અને પરણીતીને ઇંગ્લેન્ડમાં એચિવર ઓનર્સ થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. અભ્યાસકાળથી રોપાયેલો પરિચયનો છોડ, મિત્રતાના જળસિંચન થકી વૃદ્ધિ પામીને, લગ્નગ્રંથીથી જોડાઇને હવે, વટવૃક્ષ બનવા તરફ પ્રગતિ કરી રહ્યો હોય એવી પ્રતીતિ મોટાભાગના લોકોને થઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક દાયકા કરતાં વધુ સમયથી બોલીવુડમાં પોતાનો પગ મજબૂત કરવા માટે મથી રહેલી પરિણીતી ચોપરાની છેલ્લી ફિલ્મ “ઊંચાઈ” હતી. જેમાં તે સપોર્ટિંગ ભૂમિકામાં જોવા મળી હતી.
પરિણીતી ચોપરાએ પોતાની કારકિર્દી દરમિયાન, ફિલ્મ હસી તો ફસી, દાવત-એ-ઈશ્ક, કિલ દિલ, મેરી પ્યારી બિંદુ, નમસ્તે ઈંગ્લેન્ડ, જબરિયા જોડી, સાઈના, સંદીપ ઔર પિંકી ફરાર, ધ ગર્લ ઓન અ ટ્રેન, કોડ નેમ તિરંગા જેવી ફિલ્મો આપી છે. જો કે, તેમાંથી મોટા ભાગની ફિલ્મ ફ્લોપ રહી હોવાનું કહીએ તો એ વધુ પડતું નહિ ગણાય. બોક્સ ઓફિસ ઉપર પીટાઈ ગઈ ન હોય એવી પરિણીતીની હિટ ફિલ્મ વર્ષ 2019 માં આવેલી કેસરી હતી. જો કે, “કેસરી”માં અક્ષય કુમારનો લીડ રોલ હોવાને કારણે આ ફિલ્મ હિટ નીવડી હોવાનું કહેવાય છે.