અર્વાચીન યુગમાં અભ્યાસનું મહત્વ વધી રહ્યું છે. જ્યારે બીજી બાજુ સુખ સુવિધાના સાધનોનું પણ મહત્વ વધી રહ્યું છે. આવા સંજોગોમાં બંને હાંસલ કરવા માટે ઢગલો રૂપિયાની આવશ્યકતા પડતી હોવાનું જોવા મળે છે. આટલા બધા નાણાં ક્યાંથી લાવવા?
આવો આજે એ વિષે વાત કરી બાળકના ભવિષ્યને સુરક્ષિત બનાવવાનું આયોજન કરવા બાબતે જાણીએ.
વાલીઓ પેટે પાટા બાંધીને પણ બાળકોના ભવિષ્યની(a better future for every child) ચિંતા કરતાં હોય છે. પોતાના બાળકને મોટું થાય બાદ કોઇ તકલીફ ઉઠાવવી ન પડે એના માટે વાલીઓ સતત ચિંતિત હોય છે. તેમાં પણ ખાસ કરીને નાના બાળકો માટે અને તેના ભવિષ્યને લઈને ચિંતાઓ વધુ પ્રમાણમાં રહેતી હોય છે. પોતાના બાળક માટે સારી એવી બચત કયાથી અને કેવી રીતે કરી શકાય એ બાબતે પણ વાલીઓ ચિંતિત હોય છે. જો કે, બાળકો માટેના રોકાણમાં સાવધાની પણ જરૂરી છે. મતલબ રોકાણ કરવામાં ક્યારેય પણ ઉતાવળ કરવી જોઈએ નહિ. બાળકને કઈ ઉંમરે કેટલી રકમની જરૂરિયાત પડશે એનો વિચાર કરીને નાણાનું આયોજન કરવું જોઈએ.
સરકાર દ્વારા ચલાવાતી નાની બચત યોજનામાં રોકાણ કરીને લાંબા ગાળે સારું વળતર મળી રહે છે. જેના કારણે ભવિષ્યમાં આવનાર ખર્ચાઓમાં મુશ્કેલીનો સામનો કરવામાંથી મુક્તિ મળે છે. પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી આવી યોજનામાં કોઈ પણ પ્રકારનું જોખમ પણ હોતું નથી અને ગેરેન્ટી સાથે સારું વળતર પણ મળે છે. બાળકો મોટા થઇ જાય ત્યારે તેના ભવિષ્યમાં આ યોજના સારી ઉપયોગી બને છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓમાં સુકન્યા સમૃદ્ધિ યોજના (જેમાં 7.6%ના હિસાબથી વ્યાજ મળવા પાત્ર છે. દીકરીની ઉંમર 21 વર્ષ થતા આ યોજનાની મુદત પૂર્ણ થઈ જતાં નાણાં પરત મળી જશે. જો કે સુકન્યા સમૃધ્ધિ યોજના હેઠળ દીકરીની ઉંમર 18 વર્ષની થાય ત્યાં સુધી તમારા રૂપિયા સંપૂર્ણ બ્લોક થઇ જશે. જો કે 18 વર્ષ પછી પણ 50% રૂપિયા મળવા પાત્ર છે. જેનો ઉપયોગ આગળના ભણતર માટે કરી શકાશે. પણ સંપૂર્ણ રૂપિયા ત્યારે જ ઉપાડી શકાય કે જયારે તે 21 વર્ષ પૂર્ણ કરી લેશે), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (આ પણ એક સરકારી યોજના છે કે જેમાં તમે બાળકો માટે રોકાણ કરી શકશો. આ યોજના 15 વર્ષ માટેની છે. PPF પર 7.1% વ્યાજ આપવામાં આવી રહ્યું છે. તેમાં વાર્ષિક 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે), પોસ્ટ ઓફિસ રીકરીંગ ડિપોઝીટ (આ યોજનામાં તમારા રૂપિયા 100% સુરક્ષિત રહેશે. એટલે કે કોઈ પણ પ્રકારનું જોખમ નથી. પોસ્ટ ઓફિસની ડિપોઝીટ પર ભારત સરકારની ગેરંટી હોય છે. જો કે બેંકમાં પણ 5 લાખ સુધીની રકમ જ સુરક્ષિત રહેતી હોય છે. તમે દર મહિને નાની રકમનું રોકાણ કરીને લાખોનું મોટું ભંડોળ ઊભું કરી શકશો. RD ના નામથી ઓળખાતી આ યોજનામાં 5 વર્ષ માટે સતત દર મહિને રોકાણ કર્યા બાદ તમને તમારી ભરેલી રકમ વ્યાજ સાથે પરત મળી જશે.) નો સમાવેશ થાય છે.