મોરબી સ્થિત સસ્પેન્શન બ્રિજ તૂટી પડવાની ઘટનામાં કમોતે માર્યા ગયેલા મૃતકોના નજીકના સગાઓને દસ – દસ લાખ તથા ઇજાગ્રસ્તોને બે – બે લાખ રૂપિયાનું વળતર ચૂકવવા માટે હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રના મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની ઘટનાએ ( Morbi bridge collapse ) ગત વર્ષના ઉત્તરાર્ધમાં ખાસ્સી ચર્ચા જગાવી હતી.
વર્ષ 2022 ના ઓક્ટોબરના અંતમાં મોરબી ખાતે આવેલો સસ્પેન્શન બ્રિજ તૂટી પડ્યો હતો. જેમાં 135 લોકોના કરુણ મૃત્યુ નિપજ્યા હતા. તો અનેક લોકો ઘાયલ થયા હતા. ક્ષમતા કરતા વધુ લોકોને ઝૂલતા પુલ ઉપર જવા દેવાતા આ પુલ તૂટ્યો હોવાનો આક્ષેપ કરવાની સાથે સાથે, મૃતકોને યોગ્ય વળતર મળી રહે તે માટે રજૂઆત પણ કરવામાં આવી હતી.
આ ઝૂલતા પુલનું સંચાલન ઓરેવા કંપનીને સોનવામાં આવ્યું હતું. તેના કારણે કોર્ટે પીડિતોની અરજી પર વળતર આપવા માટે ઓરેવા ગ્રુપને આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે ઓરેવા ગ્રૂપે આ અકસ્માતના પીડિતોને વળતરની રકમ આપવી જોઈએ. જેમાં મૃતકોના પરિવારજનોને 10-10 લાખ જ્યારે ઈજાગ્રસ્તોને 2-2 લાખના રૂપિયાના વળતરનો સમાવેશ કરાયો છે
ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસ સતત ત્રણ દિવસ સુધી બોર્ડ ઉપર લેવામાં આવ્યો હતો. જો કે આ કેસમાં ત્રીજા દિવસે ગુજરાત હાઈકોર્ટ દ્વારા વચગાળાના વળતર મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં, મૃતકોના પરિવારને 10 લાખ રૂપિયા ચૂકવવા માટે હાઈકોર્ટે ઓરેવા ગ્રુપના મેનેજીંગ ડિરેક્ટર જયસુખ પટેલને આદેશ કર્યો છે.
ઘડિયાળ ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ સાધનોના નિર્માતા ઓરેવા ગ્રૂપે, મોરબી સસ્પેન્શન બ્રિજ તૂટી પડવાથી મૃત્યુ પામેલાના નજીકના સગાઓને તથા ઘાયલ થયેલા લોકોને કરેલી પાંચ કરોડ રૂપિયાની ઓફરને હાઈકોર્ટે ગેરવાજબી ગણાવી હતી.
અત્રે ઉલ્લેખીય છે કે, મોરબી શહેરમાં મચ્છુ નદી પર બનેલો પુલ ગત વર્ષે 30 ઓક્ટોબરના રોજ તૂટી પડ્યો હતો. આ અકસ્માતમાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે અન્ય 56 લોકો ઘાયલ થયા હતા. અજંતા મેન્યુફેક્ચરિંગ લિમિટેડ (ઓરેવા ગ્રુપ) એ ગયા વર્ષે દુર્ઘટના બાદ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન વચગાળાના વળતરની ખાતરી આપી હતી.