ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવનારી પંચાયત સેવા પસંદગી મંડળની કારકુન માટેની પરીક્ષા આજે મોકૂફ રહેતા કોંગ્રેસ પક્ષના રાજ્ય સભાના સભ્ય શક્તિસિંહ ગોહિલ દ્વારા ઉગ્ર આક્રોશ વ્યક્ત કરીને ઉમેદવારોને વળતર આપવાની માંગ કરવામાં આવી છે. ભૂતકાળમાં પણ અનેક વખત આવી ઘટનાઓ બની હોવાનું જણાવી, ખેદ વ્યક્ત કરતા, શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર ઉપર દોષનો ટોપલો ઢોળ્યો હતો.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની પરીક્ષા મોકુફ રહેતા, ઉમેદવારો દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે.
આશરે 9 લાખ 53 હજાર જેટલા યુવાનો દ્વારા કરવામાં આવેલી ઉમેદવારી બાદ આજે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કારકૂનની ભરતી માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે પેપર ફૂટી જવાને કારણે આ પરીક્ષા મોકુફ રાખવામાં આવી હતી. જેના પરિણામે છેલ્લા કેટલાય સમયથી પરીક્ષાની તૈયારીમાં ગળાડૂબ રહેલા ઉમેદવારોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું હતું. પરીક્ષાની તૈયારી માટે ભારે મહેનત કરી રહેલા ઉમેદવારોનું ભવિષ્ય અંધકારની ઊંડી ગર્તામાં ધકેલાઈ જવાની દહેશત, કોંગ્રેસના રાજ્ય સભાના સભ્ય શક્તિસિંહ ગોહિલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ બાબતે અત્યંત રોષ વ્યક્ત કરીને ગુજરાત સરકાર ઉપર ચાબખા વીંઝતા શક્તિસિંહે ઉમેદવારોને વળતર આપવાની માંગ પણ કરી હતી.
કારકુનની પરીક્ષા મોકૂફ રહેતા ઉમેદવારોને ઘરે પરત જવા માટેની બસ મુસાફરી મફત
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આશરે 10,000 જેટલા જુનિયર કારકુનની જગ્યાઓ માટે, કેટલાક સમય અગાઉ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જાહેરાત ક્ર્માંક ૧૨/૨૦૨૧-૨૨ થી જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે લગભગ 9,53000 જેટલા લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. જેની પરીક્ષા તા.૨૯-૦૧-૨૦૨૩ (રવિવાર) ના રોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. જો કે, પરીક્ષાનું પેપર ફૂટી જતાં, ઉમેદવારોના વિશાળ હિતમાં સદર સ્પર્ધાત્મક પરીક્ષા “મોકુફ” કરવા મંડળ ધ્વારા નિર્ણય કરવામાં આવેલ છે.
આ પરીક્ષા આપવા માટે આવેલા ઉમેદવારો પરીક્ષા કેન્દ્રથી તેમના મુળ રહેઠાણ ખાતે પરત જવા ગુજરાત એસ.ટી. બસમાં વિનામુલ્યે પ્રવાસ કરી શકશે એમ પંચાયત સેવા પસંદગી મંડળના સચિવ દ્વારા જણાવવામાં આવ્યું છે. જે માટે ઉમેદવાર પોતાનો અસલ પ્રવેશપત્ર (કોલલેટર/હોલ ટીકીટ) અને અસલ ફોટો આઈ. ડી. બતાવીને ગુજરાત એસ.ટી. બસમાં વિનામુલ્યે મુસાફરી કરી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત પછી પણ કેટલાક કંડકટર દ્વારા મુસાફરો સાથે ભારે રકજક કરવામાં આવી હોવાની વિગતો પણ સાંપડી રહી છે. એટલું જ નહીં સરકારી નોકરી મેળવવા માંગતા આવા ઉમેદવારો સાથે ખુદાબક્ષ મુસાફર જેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો.