ભારતના કટ્ટર વિરોધી એવા પાડોશી દેશ પાકિસ્તાનમાં હિંદુ મંદિરો અને તીર્થસ્થળોને અપવિત્ર કરવાની જે હરકત ચાલુ થઇ છે તેનાથી સમગ્ર ભારતમાં આક્રોશ પેદા થવા પામ્યો છે. હિંદુઓને હીણપતનો અનુભવ કરાવતો વધુ એક બનાવ પાકિસ્તાનમાં બનવા પામતા, હિન્દુઓની આસ્થાને વધુ મોટી ઠેસ પહોંચવા પામી છે. આ નવી ઘટના મહાભારત કાળ વખતના પાકિસ્તાન સ્થિત પંજ તીરથની છે. ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતની રાજધાની પેશાવરમાં આવેલ પંજ તીરથ હિન્દુઓનું તીર્થસ્થાન ગણાય છે. આ તીર્થસ્તાનને વેરહાઉસમાં ફેરવી દેવાતા પાકિસ્તાન ઉપર ભારતવાસીઓ દ્વારા ફીટકારની લાગણી વરસાવાઈ રહી છે.
ધાર્મિક સ્વતંત્રતા ઉપર પ્રસિદ્ધ થતા મેગેઝીન બિટર વિન્ટર મેગેઝીન અનુસાર, આ તીર્થ સ્થળ મહાભારત કાળથી પાંડવો સાથે જોડાયેલું છે. તેનો ઉપયોગ હજારો વર્ષ સુધી હિંદુ તીર્થસ્થાન તરીકે થતો હતો, પરંતુ ભાગલા પછી માત્ર બે જર્જરિત મંદિરો જ બચ્યા હતા. આ વિસ્તાર સ્થાનિક સરકાર દ્વારા ખાનગી કંપનીને વેચી દેવામાં આવ્યો હતો.
પાકિસ્તાન સ્થિત પંજ તીરથમાં પાણીના પાંચ કુંડ આવેલા છે. એટલું જ નહિ, અહીં એક વિશાળ મંદિર ઉપરાંત અનેક નાના મંદિરો પણ હતા. હિંદુ સમુદાયના લોકો કારતક મહિનામાં આ કુંડમાં સ્નાન કરવા આવતા હતા અને અહીંના વૃક્ષોની નીચે પૂજા કરતા હતા.
એક ચર્ચા અનુસાર, પુરાતત્વવિદોએ પંજ તીરથ સ્થળ પર પહોંચવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓને સશસ્ત્ર માણસો દ્વારા ડરાવી ધમકાવીને ભગાડી દેવામાં આવ્યા હતા. ગત, તા. 10 ફેબ્રુઆરીએ તો આ બાબતે પેશાવર હાઈકોર્ટે પણ આ મુદ્દો ત્રણ ત્રણ વર્ષથી ઉકેલાયો નહીં હોવા બાબતે નારાજગી વ્યક્ત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં હિંદુ ધર્મના ઐતિહાસિક વારસાના અનેક સ્થળોને ગેરકાયદેસર કબજા હેઠળ રાખવામાં આવ્યા છે. એટલું જ નહિ, તેમની પૂજાના અધિકારોથી પણ હિંદુઓને વંચિત રાખવામાં આવ્યા છે. જો કે આ મુદ્દાને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે પણ કોર્ટમાં હજુ સુનાવણી ચાલી રહી છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર વિવિધ માહિતી અને ધારણાઓ પર આધારિત છે. નીર ગુજરાતી આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની સાચીતા અને પ્રમાણિકતાનો દાવો કરતું નથી.