કોરોના વેક્સિન સેંકડો અપાઈ પણ બધાનો મોબાઇલ નંબર એક.!
સૌરાષ્ટ્રમાં આવેલા વિસાવદર તથા ભેસાણ તાલુકાના કેટલાક ગામોમાં કરવામાં આવેલા કોરોના રસીકરણમાં મહત્તમ લાભાર્થીઓના ફોન નંબરમાં સામ્યતા જોવા મળતી હોવાનો ઘટસ્ફોટ થતા ચકચાર મચી જવા પામી છે.
જૂનાગઢ જિલ્લામાં આવેલા વિસાવદર તાલુકામાં કોરોના વિરોધી રસી આપવા માટેના સેંકડો બોગસ સર્ટિફિકેટ બનાવી નાંખવામાં આવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવતા, જિલ્લા કલેક્ટર દ્વારા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીના વડપણ હેઠળ પાંચ સભ્યોની તપાસ સમિતિ બનાવીને, તટસ્થ તપાસ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
આ બાબત પ્રકાશમાં આવતા જ, જૂનાગઢના જિલ્લા કલેક્ટર દ્વારા ત્વરિત પગલાં લઈને, કસુરવારો સામે પગલાં લેવાનું શરુ કરી દીધું હતું. જો કે, તપાસ સમિતિના વડા એવા જિલ્લા આરોગ્ય અધિકારી જ ભૂતકાળમાં વિસાવદર તાલુકામાં ફરજ બજાવી ચુક્યા હોવાની જાણ થતા, તેમને તપાસ સમિતિમાંથી હટાવી લેવામાં આવ્યા છે. તેમના સ્થાને નાયબ જિલ્લા વિકાસ અધિકારીને તપાસ સમિતિના વડા બનાવવામાં આવ્યા છે. આ મામલાની તટસ્થ તપાસ કરવામાં આવે તો ઘણા સ્ફોટક તથ્યો સામે આવી શકે એવી સંભાવનાઓ રહેલી છે.
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાંથી જે રસીકરણ કરવામાં આવ્યું તેમાં અનેક લોકોના નામ પછી તેના મોબાઈલ તરીકે અલગ અલગ બે નંબર દર્શાવવામાં આવ્યા છે. બધાના નામ પછી એક યા બીજો નંબર દર્શાવવામાં આવ્યો છે. જો કે, સેંકડો લાભાર્થીઓના નામ પાછળ માત્ર બે જ ફોન નંબરો હોવાને કારણે આ ઘટસ્ફોટ થવા પામ્યો હતો. આનો અર્થ એવો માનવામાં આવે કે આ ફોન નંબર ખોટા લખવામાં આવ્યા છે. મતલબ કે સર્ટિફિકેટ ઉપર નામ પણ બોગસ વ્યક્તિઓના લખી નાખવામાં આવ્યા હોવાની સંભાવના રહેલી છે.
આ સમગ્ર ઘટનાની ઝીણવટપૂર્વક તપાસ કરવા માટે, જિલ્લા કલેકટર રચિત રાજ દ્વારા ગઠિત કરવામાં આવેલી તપાસ સમિતિને, રસીકરણના બોગસ સર્ટિફિકેટ અંગે તમામ પ્રકારની તપાસ કરીને સત્ય બહાર લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ મુદ્દાની યોગ્ય તપાસ કર્યા બાદ જે પણ ગુન્હેગાર હશે તેની સામે કાયદાકીય પગલાં ભરવામાં આવનાર હોવાનું પણ જણાવાઈ રહ્યું છે.
કોરોના વેક્સિનની આ બોગસ કામગીરી જાયન્ટ સ્કેમમાં પરિવર્તિત થવાની સંભાવના પણ નકારી શકાય નહિ. જો કે આ આખા કૌભાંડ પાછળ કોનો દોરીસંચાર હોય શકે એ અંગે પણ તપાસ કરવાની ખાસ આવશ્યકતા છે.
જો કે અધિક આરોગ્ય કમિશ્નર દ્વારા આ મામલે પગલાં લેવાયા હોવાનું જણાવીને સમગ્ર તપાસ ઊંડાણપૂર્વક કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લામાં ઇસ્યુ કરવામાં આવેલા કોરોના વિરોધી રસીના પ્રમાણપત્ર ઉપર ક્રિકેટર, અભિનેત્રી સહિતની જાણીતી હસ્તીઓના ફોટા અને નામ મૂકી દેવામાં આવ્યા હોવાની બાબત પણ બહાર આવવા પામી હતી. અર્વાચીન યુગમાં એક વ્યક્તિ બે – બે કે ચાર – ચાર નંબરો રાખતા હોય, એવા સમયમાં સેંકડો વ્યક્તિઓનો એક જ નંબર અપલોડ કરી દેવાતા સમગ્ર કામગીરી ઉપર પ્રશ્નાર્થ ખડો થવા પામ્યો છે.