અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા, ડેવલપમેન્ટ ચાર્જને વધારવાનો નિર્ણય લીધો છે. જંત્રીનાં દરોમાં વધારા સાથે આગામી મહિનાઓમાં અમદાવાદ શહેરની આસપાસના ઔડા વિસ્તારોમાં આવતી પ્રોપર્ટીના ભાવમાં ભારે વધારો થશે. જમીન અને બાંધકામ માટેના ડેવલપમેન્ટ ચાર્જ વધારવાની દરખાસ્ત, નવેસરથી તૈયાર કરીને આગામી સમયમાં રાજ્ય સરકારને મોકલવામાં આવશે.
અમદાવાદ શહેર વિકાસ સત્તા મંડળે જૂની દરખાસ્ત રદ કરીને નવી દરખાસ્ત તૈયાર કરીને સરકારને મોકલવા માટેની તૈયારી દર્શાવી છે. જેમાં નવા દરો રજૂ કરવામાં આવશે. ઔડાએ પાંચ વર્ષ પહેલા રાજ્ય સરકારને ડેવલપમેન્ટ ચાર્જમાં વધારો સૂચવ્યો હતો. જો કે, રાજ્ય સરકારે આ દરખાસ્ત અંગે કોઈ નિર્ણય લીધો ન હતો.
તાજેતરમાં બોલાવાયેલી બોર્ડ મીટિંગમાં, ઔડાએ જૂની દરખાસ્તને રદ કરીને સરકારને મોકલવા માટે નવી દરખાસ્ત તૈયાર કરવાની મંજૂરી આપી હતી. જે અનુસાર નવા દરો ચોરસ મીટર દીઠ 100 રૂપિયા કરતા ઓછા હશે. ગુજરાત ટાઉન પ્લાનિંગ અને અર્બન ડેવલપમેન્ટ એક્ટ 1976ની કલમ 99થી, સ્થાનિક અધિકારીઓને તેમના અધિકારક્ષેત્રમાં જમીન અને બાંધકામ અંગેના ડેવપમેન્ટ ચાર્જ વસૂલવાનો અધિકાર મળેલો છે.
આ અધિનિયમની કલમ 100 મુજબ, મહત્તમ ડેવલપમેન્ટ ચાર્જને નિશ્ચિત કરવાની જોગવાઈ છે. જોગવાઈ અનુસાર રાજ્ય સરકાર હેક્ટર દીઠ 50,000 રૂપિયા અથવા ચોરસ મીટર દીઠ (જમીન) માટે 5 રૂપિયા અને ચોરસ મીટર દીઠ (બાંધકામ) માટે 15 રૂપિયા વસૂલતી હતી.
ઓડાએ હાલમાં જમીન માટે 2 થી રૂ. 5 અને બાંધકામ માટે રૂ .115 ચાર્જ કરે છે અને ડેવલપમેન્ટ ફી બાંધકામના હેતુ અનુસાર બદલાય છે. તા. 28 જુલાઈ 2017 ના રોજ રાજ્ય સરકારે કાયદામાં સુધારો કર્યો અને અધિકારીઓને ડેવલપમેન્ટ ચાર્જને ચોરસ મીટર દીઠ 100 રૂપિયા અથવા હેક્ટર દીઠ 10 લાખ રૂપિયા સુધી વધારવાની મંજૂરી આપી.
આ પછી અમદાવાદ શહેર વિકાસ સત્તા મંડળે ડેવલપમેન્ટ ચાર્જના નવા દરોની દરખાસ્ત કરી અને તા. 8 માર્ચ 2018ના રોજ રાજ્ય સરકારને પ્રસ્તાવ મોકલ્યો હતો. રાજ્ય સરકારને મોકલવામાં આવેલા આ પ્રસ્તાવ એટલે કે દરખાસ્તમાં ડેવલપમેન્ટ ચાર્જનો દર લગભગ બમણો હતો. જો કે, રાજ્ય સરકારે પાંચ વર્ષ સુધી કોઈ નિર્ણય લીધો ન હતો.
નવા ડેવલપમેન્ટ ચાર્જ અંગે નિર્ણય લેતા પહેલા, જૂની દરખાસ્તને પાછી ખેંચવા માટે સરકારને ઔડા દ્વારા દરખાસ્ત મોકલવામાં આવશે. બીજી બાજુ જોઈએ તો, નવા ડેવલપમેન્ટ ચાર્જની દરખાસ્ત, ઔડાની આગામી બોર્ડ મીટિંગમાં મૂકવામાં આવશે.
અમદાવાદીઓ પાસેથી છેલ્લા 10 વર્ષમાં ડેવલપમેન્ટ ચાર્જ તરીકે 30.55 કરોડ રૂપિયા એકત્રિત કરાયા છે. જો કે, અમદાવાદ મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા સંયુક્ત રીતે ઉઘરાવાતી ટેક્સની આ રકમ, AUDA માં જમા કરાવવામાં આવતી નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અથવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેવલપમેન્ટ ચાર્જ, જમીનના ક્ષેત્રફળ અને બાંધકામના આધારે લગાડવામાં આવે છે. અગર ડેવલપમેન્ટ ચાર્જ વધારાય તો, બિલ્ડરોના વિવિધ પ્રોજેક્ટ ઘણા ખર્ચાળ થઈ જશે. એટલું જ નહીં, તેના પરિણામે અમદાવાદવાસીઓને મિલકત ખરીદવી વધુ ખર્ચાળ બનશે.