તમારી સામે 45 લાખનું સોનું હોય અને એ પણ બિનવારસી. તો તમે શું કરો? આંકડે મધ અને એ પણ માખીઓ વગરનું. આવું માનીને રાખી લો કે જમા કરાવી દો?
108 એમ્બ્યુલન્સના સ્ટાફ સિવાય અન્ય કોઈક કર્મચારીઓમાં પણ આવી ઈમાનદારી ક્વચિત નજરે પડી જતી હોય છે. હા, અમદાવાદ એરપોર્ટ ઉપર હાઉસકીપિંગ સુપરવાઈજર તરીકે સેવાઓ આપી રહેલા યુવાન હરવિન્દર નરુકા ને એક સાથે 45 લાખનું સોનું મળી આવ્યું હતું. ટોઈલેટની ફ્લશ ટેન્કમાંથી મળી આવેલા આ સોનાને સેરવી લેવાને બદલે હરવિંદરે તો આ સોનું કસ્ટમ વિભાગમાં જમા કરાવી દીધું. બોલો, આને જ કહેવાય ખરી ઈમાનદારી.
મૂળ રાજસ્થાનના અલવરનો રહેવાસી હરવિંદર નરુકા ગત 1 ડિસેમ્બરથી અમદાવાદ એરપોર્ટ પર હાઉસકીપિંગ સુપરવાઈઝર તરીકે કામ કરે છે. 26 વર્ષીય આ યુવાનના પરિવારમાં માતા-પિતા, દાદી અને એક બહેન છે, એ લોકો બધા અલવરમાં રહે છે. સ્નાતક સુધી અભ્યાસ બાદ હરવિંદરે જયપુર નોકરી કરી અને ત્યાર બાદ અમદાવાદ એરપોર્ટ પર નોકરી મળતાં એકાદ મહિનાથી અમદાવાદ એરપોર્ટ કામ કરી રહ્યો પર છે. એક સંબંધીના રેફરન્સથી અમદાવાદ આવેલો હરવિંદર એક ભાડાના મકાનમાં સરદારનગર ખાતે રહે છે.
હરવિંદરના શબ્દોમાં જ સાંભળી તો “ગત તા. 29 ડિસેમ્બર 2022 ની રાત્રે 8:00 વાગે મારા નિયત કામ મુજબ ચેકિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન ટોઇલેટ અને ફ્લેશ ટેંકમાં પાણી છે કે નહીં એ ચેક કરી રહ્યો હતો. ત્યારે એક ટોઇલેટમાં ફ્લેશ ટેન્ક ખુલ્લી હતી, જેથી મેં અંદર જોતાં બ્લેક કલરની થેલીઓ દેખાઇ. એ ખોલીને જોયું હતું કે આ કચરો છે કે શું છે, જ્યારે આ બંને થેલી ખોલી ત્યારે એમાં બે બંગડી આકારના સોનાના કડા મળી આવ્યા હતા તેને મેં તરત એ ફ્લેશ ટેન્કમાં પાછા મૂકી દીધા હતા. ત્યાર બાદ તરત જ કસ્ટમ ઓફિસરને બોલાવ્યા હતા. સમગ્ર બાબતની જાણ કરી આ સોનું તેમને હેન્ડ ઓવર કર્યું હોવાનું જણાવતા હરવિંદરે ઉમેર્યું હતું કે, પ્રોટોકોલમાં અમને શિખવાડવામાં આવે છે કે આવી કોઈ બિનવારસી વસ્તુ મળે તો CISF કે કસ્ટમમાં હેન્ડ ઓવર કરવું. હરવિંદરે જણાવ્યું હતું કે, કરોડોની દોલત ઈમાનદારી આગળ કંઈ નથી જો કે તેને આ કાર્ય બદલ આટલી ઈજ્જત મળશે એવું તેણે વિચાર્યું પણ નહોતું.