કોઈ તમને કહે કે એક જ જમીન ઉપર એક સાથે એક સમયે બે પાક ઉગાડી શકાય તો તમે સામે વાળાને મૂર્ખ જ સમજો કે બીજું કઇ? જો કે, એવું સમજતા પહેલા આ એક વખત વાંચી લો.
હા, દૂધીના પાકની સાથે તમે મરચાં, ટામેટાં કે મેથી-પાલક- કોથમીર જેવા પાક પણ લઈ શકો છો. રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના બિગોડના એક પ્રગતિશીલ ખેડૂત દ્વારા આ પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં વેલવાળા શાકભાજી ઉગાડીને તેનો વેલો મંડપ ઉપર ચડાવી દેવાય છે. વાંસની મદદથી બનાવાયેલ આ મંડપ ઉપર દૂધીનો વેલો ચડાવી દેવામાં આવે છે. જમીન ઉપર પથરાયેલા વેલા કરતાં મંડપ ઉપરનો આ વેલો વધારે પાક આપતો હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહિ, મંડપની નીચે તમે ઓછી ઊંચાઈ ધરાવતા કોઈ પણ બીજા શાકભાજી વાવી શકો છો. પરિણામે મંડપ ઉપર અને મંડપ નીચે, એમ દ્વિસ્તરીય પાક ઉતારી શકાય છે. જેના કારણે ખેડૂતને આવકની માત્રામાં પણ ખાસ્સો એવો વધારો થઈ શકે છે.
ક્યારેય શાળાએ નહીં ગયેલા આ પ્રગતિશીલ ખેડૂત પોતાના અઢી વીઘા ખેતરમાં છેલ્લા ત્રણ વર્ષથી આ મચાન પદ્ધતિથી દુધીનો પાક ઉગાડી રહ્યા છે. મિશ્ર ખેતી પણ કરી રહ્યા છે. આ વખતે હજારા દૂધી નામની એક નવી વેરાયટીનું પણ આ પ્રગતિશીલ ખેડૂત દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં એક વેલા ઉપર એક હજાર દૂધી પાકતી હોવાનો આ ખેડુત દ્વારા દાવો કરવામાં આવ્યો છે. મચાન એટલે કે માંચડા ઉપર ચડાવવામાં આવતા આ વેલા ને કારણે આ ખેતીનું નામ મચાન ખેતી પાડવામાં આવી હોવાનું તારણ કાઢવામાં આવી રહ્યું છે. એક સાથે બે – બે પાક આપતી જમીનને કારણે આ ખેડૂતનું નસીબ બદલાઈ ગયું છે.