ગુજરાતના માણેકપુરા ગામથી, ફરવા માટે કેનેડા ગયેલો પરિવાર, લોરેન્સ નદીમાં બોટિંગ કરતી વખતે ડૂબી ગયો હોવાનાં સમાચાર વહેતા થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ચાર સભ્યોનો આ ચૌધરી પરિવાર અમેરિકામાં ઘૂસણખોરી કરવા જતા મોતને ભેટયો હોવાની શંકા, CID ક્રાઇમ દ્વારા સેવાઇ રહી છે.
કબુતરબાજી કરનારા અને કરાવનારા લોકો માટે લાલબત્તી સમાન આ ઘટનાની વિગતો એવી છે કે, મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલા માણેકપુરા ગામમાં વસતા પ્રવીણભાઈ ચૌધરી તેના પરિવાર સાથે ટુરિસ્ટ વિઝા ઉપર, બે મહિના માટે કેનેડા ગયા હતા. પ્રવીણભાઈની સાથે તેના પત્ની દક્ષાબેન, પુત્રી વિધિ અને પુત્ર મીત પણ કેનેડા ફરવા ગયા હોવાનું ગામ લોકો જણાવે છે. જો કે, તાજેતરમાં આ ચારેય લોકોનાં સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા હોવાનાં સમાચાર ગામમાં પહોંચતા, માણેકપુરા સહિત સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.
આ ઘટનામાં પ્રાપ્ત થતી વિગતો અનુસાર, પ્રવીણભાઈ અને તેનો પરિવાર સેન્ટ લોરેન્સ નદીમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે બોટ ઊંધી વળી જવાની ઘટના બની હોવાનું ગ્રામજનોને જાણવા મળ્યું હતું. જો કે, CID ક્રાઈમને એવી શંકા છે કે, આ ગુજરાતી પરિવાર કેનેડાથી જળ માર્ગે અમેરિકામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન બોટ ઉંધી વળી જતા ચારેય સભ્યોના મોત નીપજયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા. આ બાબતે CID ક્રાઈમ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરતા ઘૂસણખોરીનો રેલો ક્યાં સુધી જાય છે અને કોને સ્પર્શે છે તે બાબતે ગ્રામજનોની ઝીણવટભરી પૂછપરછ પણ કરવામાં આવી હતી. એટલું જ નહીં, મૃતક પ્રવીણભાઈએ કેનેડા જવાની ફાઈલ કોના મારફતે ચલાવી હતી એ બાબત પણ તપાસ માંગી લે છે. કબુતરબાજીનું વધુ એક કૌભાંડ નજીકના ભવિષ્યમાં બહાર આવે એવી સંભાવના પણ CID ક્રાઈમ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, પ્રવીણભાઈ ચૌધરી અને તેનો પરિવાર બે મહિના માટે માત્ર કેનેડા જ ફરવા માટે ગયો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. CID ક્રાઈમ દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસના અનુસંધાને પોલીસની એક ટીમ માણેકપુરા ગામમાં ગઈ હતી. અહીં ટુરિસ્ટ વિઝા અપાવવાનું કામ કરતા એજન્ટ તથા ટુર ઓપરેટરની પણ તપાસ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આશરે એક વર્ષનાં સમયગાળા દરમિયાન, અમેરિકામાં ઘૂસણખોરી કરવા જતા, નવ જેટલા લોકોના અપમૃત્યુ થયા હોવા છતાં, ગેરકાયદે અમેરિકા જવાનાં લોકોનાં મોહમા ઘટાડો થવાને બદલે વધારો થઈ રહ્યો છે.