ભારતના ભૂસ્તર વૈજ્ઞાનિક ડો.પૂર્ણચંદ્ર રાવે દાવો કર્યો છે કે હિમાચલ પ્રદેશ, નેપાળના પશ્ચિમ ભાગમાં અને ઉત્તરાખંડમાં ધરતીકંપ આવી શકે છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8 સુધીની રહેવાની દહેશત પણ ડો રાવ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એન.જી.આર.આઈ.(નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ)ના વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે હિમાલય અથવા તેની આસપાસના વિસ્તારમાં મોટો ભૂકંપ આવી શકે છે. જેના પરિણામે આ વિસ્તારમાં ભારે તારાજી સર્જાઈ શકે છે.
હૈદરાબાદ સ્થિત NGRIના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. પૂર્ણચંદ્ર રાવનું કહેવું છે કે પૃથ્વીનું પડ અનેક પ્લેટોથી બનેલુ છે. આ પ્લેટો સમયાંતરે બદલાતી રહે છે. ભારતીય પ્લેટો દર વર્ષે પાંચ સેન્ટિમીટર સુધી આગળ વધી રહી છે અને તેના કારણે હિમાલય વિસ્તારના ભૂગર્ભમાં ભારે ઉથલપાથલ સર્જાવાની ભીતિ રહેલી છે. જેના કારણે હિમાલયના ક્ષેત્રમાં જોરદાર ભૂકંપ આવી શકે છે.
વૈજ્ઞાનિક ડૉ. પૂર્ણચંદ્ર રાવના મત અનુસાર, હિમાચલ પ્રદેશ, નેપાળના પશ્ચિમ ભાગમાં અને ઉત્તરાખંડમાં ભૂકંપ આવી શકે છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8 હોઈ શકે એવું જણાવતા ડો.રાવે ઉમેર્યું કે,આપણે ભૂકંપને રોકી શકતા નથી પરંતુ સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને મજબૂત ઈમારતોનું નિર્માણ કરવું જોઈએ.
હિમાલયની પર્વતમાળાનો વિસ્તાર ભૂકંપ માટે સંવેદનશીલ રહ્યો છે. ભૂતકાળમાં આ વિસ્તારમાં આવેલા નાના ભૂકંપ દર્શાવે છે કે હિમાલયની પર્વતમાળાઓના ભૂગર્ભમાં એવી ઘટનાઓનું નિર્માણ થઇ રહ્યું છે કે જે ભવિષ્યમાં કોઈ મોટો ભૂકંપ લાવી શકે છે.
અન્ય એક સંસ્થા વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જીઓલોજીના મુખ્ય વૈજ્ઞાનિક અજય પૉલે જણાવ્યું છે કે હિમાલયનો પ્રદેશ ભારતીય અને યુરેશિયન પ્લેટોના અથડામણને કારણે અસ્તિત્વમાં આવ્યો હતો. તેઓ કહે છે કે ભારતીય પ્લેટ પર યુરેશિયન પ્લેટના દબાણને કારણે આ વિસ્તારમાં ભારે ઉર્જા ઉત્પન્ન થાય છે. જમીનમાંથી બહાર આવવા મથી રહેલી આવી ઉર્જા ધરતીકંપ નોતરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હિમાલય વિસ્તારના સૌથી મોટા ગ્લેશિયર પૈકી એક ગંગોત્રી ગ્લેશિયર છેલ્લા 87 વર્ષમાં 1.7 કિલોમીટર સુધી સરકી ગયું છે. આવું જ કંઈક હિમાલય ક્ષેત્રના અન્ય ગ્લેશિયર્સમાં થઈ રહ્યું છે. આ સિવાય જોશીમઠમાં ભૂસ્ખલન પણ મોટા જોખમ તરફ ઈશારો કરી રહ્યું છે. છેલ્લા 150 વર્ષમાં હિમાલયના ક્ષેત્રમાં ચાર મોટા ભૂકંપ આવ્યા છે. જેમાં 1897માં શિલોંગમાં ધરતીકંપ, 1905માં કાંગડાના ભૂકંપ, 1934માં બિહાર-નેપાળના ભૂકંપ અને 1950માં આસામના ભૂકંપનો સમાવેશ થાય છે. આ સિવાય 1991માં ઉત્તરકાશી, 1999માં ચમોલી અને 2015માં નેપાળ વિસ્તારમાં મોટા ધરતીકંપ આવ્યા હતા.
Hyderabad| Earth’s surface comprises various plates that are constantly in motion. The Indian plate is moving about 5 cm per year, leading to accumulation of stress along the Himalayas increasing the possibility of a greater earthquake: Dr N Purnachandra Rao, Chief Scientist,NGRI pic.twitter.com/YCwCInLcm8
— ANI (@ANI) February 21, 2023
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર વિવિધ માહિતી અને ધારણાઓ પર આધારિત છે. નીર ગુજરાતી આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની સાચીતા અને પ્રમાણિકતાનો દાવો કરતું નથી.