અત્યંત થોડા સમયમાં વિખ્યાત બની ગયેલા Bageshwar dham ના કથાકાર પંડિત Dhirendra shastri ના ભાઈએ દલિત પરિવારને ધમકી આપી હોવાની ફરિયાદથી સનસનાટી મચી જવા પામી છે. જો કે Dhirendra shastriએ પોતાના ભાઈની તરફેણ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
માધ્ય પ્રદેશના કથાકાર અને સનાતનના પ્રખર હિમાયતી એવા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપર પોતાના ભાઈને કારણે છાંટા ઉડ્યા છે. તાજેતરમાં સૌરભ ગર્ગ દ્વારા દલિત પરિવારને ધમકી આપી હોવાનો વિડિઓ વાયરલ થતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ બચાવની મુદ્રામાં આવી જવું પડ્યું હતું. આ બાબતે નિવેદન આપતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, અમે ખોટાની સાથે નહીં રહીએ, જે પણ કરશે તે ચૂકવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મંગળવારે ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ વિરુદ્ધ SC-ST એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ બાબતે કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે મને સૌરભ (શાલીગ્રામ) વિશે સોશિયલ મીડિયા દ્વારા માહિતી મળી. જો કે દરેક વિષયને મારી સાથે જોડવો યોગ્ય નથી. અમે સનાતન ધર્મ અને બાગેશ્વર બાલાજીની સેવામાં રોકાયેલા છીએ. કાયદાએ તેને સ્વચ્છ અને પારદર્શક રીતે તપાસવું જોઈએ. અમે ખોટા સાથે નથી, જે કરશે તે ચૂકવશે.
મધ્યપ્રદેશના આ ત્વરિત ખ્યાતિ પામેલા કથાકાર ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીના ભાઈ શાલિગ્રામ પર દલિત પરિવારને ધમકાવવાનો આરોપ છે. તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. એક લગ્ન સમારંભમાં દલિત પરિવારને ધમકાવતો અને દુર્વ્યવહાર કરતો વિડીઓમાં જોવા મળે છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે મંગળવારે કથાકારના ભાઈ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
આ ઘટના ગત તા.11, ફેબ્રુઆરીની મોડી રાત્રિની છે. બમિથા પોલીસ સ્ટેશનના તાબામાં આવતા ગડા ગામ ખાતે આ બનાવ બન્યો હોવાનું કહેવાય છે. લવકુશનગરના અટકોહાનથી ગડા ગામ ખાતે જાન ગઈ હતી. જ્યાં મધરાતે દલિત પરિવારને ધમકાવવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ઘટનામાં દલિત પરિવારની કન્યાના મામા અને ભાઈ પર સૌરભ ગર્ગ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ થવા પામી છે. પોલીસે એટ્રોસિટી અંતર્ગત તપાસ હાથ ધરી છે.