ભારતમાં વારંવાર ઘૂસણખોરી કરવાના કાવતરા કરનાર પાડોશી દેશ ચીન ખાતે રહેતા ભારતીયો ઉપર હુમલાઓના બનાવો વધી રહ્યા છે. ચીનમાં રહેતા ભારતીયના મત મુજબ ડોકલામ ઘટના પછી ભારતીયો પ્રત્યે, વધુ પડતી કિન્નાખોરી રાખવામાં આવી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
કેટલાક બનાવો જોઈએ તો 2022 ના ઓકટોબર મહિનામાં ચીનના ગ્વાંગઝૂ શહેરની મેટ્રો ટ્રેનમાં ભીડને કારણે લોકો ઊભા રહીને મુસાફરી કરી રહ્યા હતા. દરમિયાન કેટલાક મુસાફરો બોલાચાલી કરવા લાગ્યા હતા. જોતજોતાંમાં મામલો ગરમાયો અને કેટલાક લોકોએ એકબીજાના મેલાપીપણામાં બે છોકરાને માર મારવાનું શરૂ કર્યું. ટ્રેન સ્ટેશન ઉપર ઊભેલી હતી તેથી દરવાજો ખુલ્લો હતો. સ્થાનિક લોકોએ મારતા મારતા બંને છોકરાઓને બહાર ધકેલી દીધા. એટલું જ નહિ, પ્લેટફોર્મ પર પણ તેમને લાતો અને મુક્કાથી મારતા રહ્યા. આ ઘટના જોઈ રહેલો મેટ્રો સ્ટેશનનો ગાર્ડ નજીકમાં જ ઊભો હોવા છતાં તેણે હુમલાખોરોને રોક્યા નહીં. કારણ કે, ભોગ બનનાર બંને યુવકો ભારતીય હતા.
કેટલાક સૂત્રોના જણાવ્યા અનુસાર ડોકલામ બાદ ભારતીયો પર હુમલા વધી ગયા છે. ભારતની ચીન સ્થિત એમ્બેસી પણ આ હુમલાઓ અંગે વિગતો એકત્ર કરીને રિપોર્ટ તૈયાર કરી રહી છે. એક અહેવાલ મુજબ, સપ્ટેમ્બર એટલે કે શૈક્ષણિક વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં ચીનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા અને લૂંટની 50થી વધુ ઘટનાઓ પ્રકાશમાં આવી છે.
ચીનમાં રહીને અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થી યુનિયને પણ આ મામલે અનેકવાર વિરોધ નોંધાવ્યો છે. યુનિયનની માગ છે કે ચીની સરકાર વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે નક્કર કાર્યવાહી કરે.
ભારતીયો ઉપર આવા હુમલા ચીનનાં અલગ-અલગ શહેરોમાં થયા હોવાના દાખલાઓ સામે આવી રહ્યા છે. શાંઘાઈ, ગ્વાંગઝૂ, બીજિંગ જેવા શહેરોમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. વિદ્યાર્થી અથવા નોકરિયાત લોકોને હુમલાના ટાર્ગેટ બનાવવામાં આવતા હોવાનું પણ જોવા મળે છે. કોલેજ કે ઓફિસથી ઘરે પરત ફરતી વખતે તેમના પર હુમલો કરવામાં આવે છે. કેટલાક ભારતીયોને બજારમાં પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.
આવી ગંભીર બાબતમાં ક્યારેક રમુજ પણ જોવા મળી જાય છે. તે એવી રીતે કે ડોકલામ પછી ચીનમાં ભારતીયોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જો કે, ચીનમાં કેટલાક લોકો ભારતીય, પાકિસ્તાની અને નેપાળી નાગરિકો વચ્ચેનો તફાવત ઓળખી શકતા નથી. આથી તેઓ પાકિસ્તાની અને નેપાળી લોકો સાથે પણ ઝઘડો કરતા હતા. ચીની લોકો બિનભરતીયોને પણ ભારતીય સમજીને એવું કહેતા સાંભળવા મળ્યા હતા કે તમારો દેશ અમારા પર હુમલો કરી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે જ્યારે ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદ થાય છે ત્યારે આવા કિસ્સાઓ વધી જાય છે.