પરણ્યાની પહેલી રાતનાં કેફમાંથી પતિ હજુ બહાર આવે એ પહેલા તો નવોઢા ઘર સાફ કરીને છુમંતર થઇ જવાની ઘટના મોડાસા ખાતે બનવા પામતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી જવા પામી છે.
આજના યુગમાં સ્ત્રીઓની સંખ્યા, પુરુષોની સરખામણીએ ક્રમશઃ ઘટતી જઈ રહી છે. જેના પરિણામે લગ્નોત્સુક યુવકો માટે પણ કન્યા શોધવી કપરી બની રહી છે. આવા સંજોગોમાં ગરીબ અથવા ઓછું ભણેલા કે નાના ગામમાં રહેતા લોકો ને તો યુગથી મેળવવી એ લોઢાના ચણા ચાવવા સમાન થઈ પડે છે. કેટલાંક યુવકો એવા હોય છે કે જેઓના લગ્ન સમયસર થતા નથી. જેથી તેઓ રુપિયા ખર્ચીને લગ્ન કરવાનો માર્ગ અપનાવતા હોય છે.
સંજોગોનો શિકાર બનેલા આવા યુવકો અને તેના પરિવારને બીજી રીતે પણ શિકાર બનાવવા માંગતી લુટેરી દુલ્હન અને તેની ગેંગ અનેક સ્થળોએ સક્રિય હોવાના સમાચારો વખત આવી રહ્યા છે. આવી યુવતીઓ અને ગેંગ દ્વારા લગ્નોત્સુક યુવકના પરિવાર સાથે આર્થિક દ્રષ્ટિએ મોટા પાયે છેતરપિંડી થતી હોય છે.
મોડાસામાં રહેતા યુવક સાથે પણ આવું જ થયુ હતુ. મોડાસાના સગરવાડામાં રહેતો સુમન ભીખાભાઈ પ્રજાપતિ નામનો યુવક, અમદાવાદ નજીક આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. યુવકના લગ્ન ન થતા પરિવાર પણ સતત ચિંતામાં રહેતો હતો. આ દરમિયાન યુવકના બનેવીનો સંપર્ક દહેગામ તાલુકાના લવાડ ગામમાં રહેતા નટુ ઠાકોર સાથે થયો હતો. નટુ ઠાકોરે એવું જણાવ્યું હતું કે, લગ્ન કરવા ઈચ્છતા યુવકોના તે લગ્ન કરાવી આપે છે.
એ પછી યુવક અને તેની બહેન તથા બનેવી, નટુ ઠાકોરના ઘરે ગયા હતા. જો કે એ વખતે નટુ ઠાકોરે એવું કહ્યું કે, યુવતી ખેતરમાં મજૂરી કરે છે. આથી યુવક અને તેના પરિવારજનોએ યુવતીની માસી સાથે વાતચીત કરી હતી અને લગ્ન નક્કી કર્યા હતા. આ ગેંગે લગ્નના દાપા પેટે બે લાખ રુપિયા માગ્યા હતા.
આ સિવાય લગ્ન કરવા માગતા યુવકના પરિવારે લગ્નનો તમામ ખર્ચો ઉઠાવવાની પણ વાત કરી હતી. બાદમાં અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી મારુતિ નંદન ચેરિટેબલ ટ્રસ્ટમાં લગ્ન કરાવ્યા હતા. આ લગ્ન માટે વકીલને 25 હજાર અને મહારાજને 10 હજાર પણ યુવકના પરિવારે ચૂકવ્યા હતા.
લગ્ન પૂરાં થયા બાદ યુવક નવોઢા સાથે મોડાસા ખાતે આવ્યો હતો. જો કે, લગ્નના ત્રીજા જ દિવસે આ નવીનવેલી દુલ્હન, રોકડ રકમ, દાગીના અને મોબાઈલ લઈને ફરાર થઈ ગઈ હતી. જે બાદ યુવકે લૂંટેરી દુલ્હનની તપાસ કરવા, તેની માસીને ફોન કરતા એવું જણાવ્યું કે, હોળી પછી તેને લઈ જજો. એટલે યુવકે હોળી બાદ લૂંટેરી દુલ્હનની માસીને ફોન કર્યો હતો. ત્યારે લૂંટેરી દુલ્હનની માસી ભગીબેન ઉર્ફે ગંગા રમણલાલ ઠાકુરે તેને માર મારવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી, દુલ્હનને ભૂલી જવાની વાત કરી હતી. આખરે યુવકને અહેસાસ થયો હતો કે તેની સાથે છેતરપિંડી થઈ છે. યુવકે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવવધુ મેળવવાના ઓરતામાં રાચી રહેલા અપરણિત યુવકો કોઈપણ અપરિચિત યુવતી સાથે લગ્ન કરીને જીવનભર સાથે રહેવાના અને સુખી રહેવાના અભરખા રાખતા હોય ત્યારે આવી દુલ્હન થી ચેતીને, લાંબા સમયથી ઓળખતા હોય એવી જ યુવતી સાથે લગ્ન કરવાનો સમય પાકી ગયો છે. વાચકોને યાદ હશે કે જુના સમયમાં તો પોતાની જ્ઞાતિ જ નહીં, પેટા જ્ઞાતિ અને તેમાં પણ કેટલાક ગામ કે પરિવારોનો ગોળ હોય એમાં જ લગ્નસંબંધ થતા હતા.
જેથી વરપક્ષ અને કન્યાપક્ષના પરિવારોને એકબીજા ઉપરાંત અન્ય અનેક લોકો પણ સારી પેઠે ઓળખતા હોય. જેથી આવી કોઈ ઘટના બનવાનો અવકાશ રહેતો નહીં.