સ્પર્ધાના આ યુગમાં ઉચ્ચ અભ્યાસ કરેલા ડિગ્રીધારી યુવાનોને રોજગારી મેળવતા મેળવતા ધોળે દિવસે તારા દેખાવા માંડે છે. તેની સામે સિક્કાની બીજી બાજી સમાન એક નિરક્ષર મહિલા, સરેરાશ 10 લાખ રૂપિયાની માસિક આવક મેળવતી હોવાની વાત તમને ગળે ઉતરે ખરી?
હા, નીચેની વિગતો વાંચ્યા પછી તમને અમારી આ વાત, શીરાની જેમ ગળે ઉતરી જશે. બનાસકાંઠા જિલ્લામાં ખેતીમાં વારંવાર નુકસાનના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા હતા. જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ ખેતીની સાથે pashupalan પણ શરુ કર્યું હતું. પ્રાથમિક તબક્કે ઘરપૂરતું દૂધ મળી રહે એવા આશયથી શરુ કરવામાં આવેલું પશુપાલન ધીમે ધીમે વ્યવસાયમાં પરિવર્તિત થઇ ગયું. આવા જ એક પરિવારના મહિલા નવલબેન ચૌધરીએ આંગળીના વેઢે ગણાય એટલા પશુઓથી પોતાનો નિર્વાહ શરુ કર્યો હતો. જેમાં ઉત્તરોત્તર પ્રગતિ કરીને પશુઓનો આ આંકડો 200 સુધી પહોંચી ગયો હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં, સમગ્ર એશિયાની સૌથી વધુ દૂધ ઉઘરાવતી બનાસ ડેરીમાં, આ મહિલાએ સૌથી વધુ દૂધ ભરાવવાનો રેકોર્ડ નોંધાવીને બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ નંબર હાંસલ કરીને ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
દરરોજ સરેરાશ એક હજાર લીટર દૂધ ભરાવતા આ મહિલાની વાર્ષિક આવક વર્ગ – ૧ ના સરકારી અધિકારી કરતા પણ વધારે છે. નવલબહેન એક વર્ષના સરેરાશ 1 કરોડ 10 લાખની આવક મેળવે છે. આ તેઓની વ્હાઇટ ઈન્ક્મ છે. એટલું જ નહિ, પશુઓની દેખરેખ રાખવા માટે અન્ય પાંચ લોકોને નોકરીમાં રાખ્યા છે. આ લોકોના પરિવારના ભરણપોષણ માટે પણ તેઓ દર મહિને દોઢ લાખનો પગાર ચૂકવે છે.
સવાર સાંજ, ચાર – ચાર કલાક પશુઓની સાથે ગાળતા નવલબહેન જરા પણ ભણેલા નહીં હોવા છતાં તેઓનો હિસાબ એકદમ પાક્કો હોય છે.
નવલબેનની ઉમર 62 વર્ષ હોવા છતાં દિવસભર કામમાં મગ્ન રહે છે. એમને કોઈ પણ બીમારી કે શરીરની નબળાઈ પણ જોવા મળતી નથી. આજે પણ તેઓ સવારે 4 વાગે ઉઠીને તેમના તબેલામાં પહોંચી જાય છે. આ વ્યવસાયનો નવલબહેને, સખત પરિશ્રમ અને નક્કર આયોજન સાથે ખુબ સરસ વિકાસ કર્યો છે.
અક્ષરજ્ઞાન પણ નહીં મેળવેલા નવલબહેને પોતાના ચારે દીકરાઓને અભ્યાસ કરાવ્યો છે. તે તમામ લોકો એમને પશુપાલનમાં મદદ કરે છે. અન્ય મહિલાઓ કે જેમની પાસે કોઈ રોજગાર નથી તે મહિલાઓ 2 પશુઓ લાવી વ્યવસાય શરૂ કરે તો ઘરનું ગુજરાન ચાલી શકે તેમ હોવાનું નવલબહેને જણાવ્યું હતું.
હજુ આગામી સમયમાં પશુઓ વધારીને 2 કરોડ રૂપિયા કમાવવાનો લક્ષ્યાંક હોવાનું આ સ્વનિર્ભર પશુપાલક મહિલા નવલબહેને જણાવ્યું હતું.