“જ્યાં જ્યાં વસે ગુજરાતી,
ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત.”
આ ઉક્તિને સાર્થક કરતું નિવેદન આજે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આપ્યું હતું. યુવા સંગમ કાર્યક્રમના ભાગરૂપે આસામ થી ગુજરાતની મુલાકાતે આવેલા યુવા વર્ગ સાથેની ગોષ્ટિ દરમિયાન આચાર્ય દેવવ્રતજી એ કહ્યું હતું કે, પારકાને પોતિકા બનાવવામાં ગુજરાતીઓ માહેર છે.
આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, બીજાને પોતાના બનાવતાં અને પોતાને બીજાના બનતાં ગુજરાતીઓને સારું આવડે છે, એટલે જ ગુજરાતીઓ ૧૭૦ દેશોમાં જઈ વસ્યા છે અને અનેક રાજ્યો-રાષ્ટ્રોના લોકો ગુજરાત આવી વસ્યા છે, અને એટલે જ ગુજરાતમાં ખુશાલી, સમૃદ્ધિ અને વિકાસ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આસામથી યુવા સંગમ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત આવેલા યુવાનો સાથે રાજભવનમાં ગોષ્ઠિ કરતાં કહ્યું હતું કે, ગુજરાતમાં જે સારું છે તે આસામ લઈ જજો અને આસામમાં જે સારું છે એ અહીં આપતા જજો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ‘યુવા સંગમ’ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત આઠ પૂર્વોત્તર રાજ્યોના યુવાનો અને અન્ય રાજ્યના યુવાનો વચ્ચે આદાન-પ્રદાન યાત્રાનું આયોજન કરાઈ રહ્યું છે. ગુજરાતમાં આ કાર્યક્રમ માટે નૉડલ ભારતીય પ્રોદ્યોગિકી સંસ્થાન (આઈઆઈટી) ગાંધીનગર મારફતે ગુજરાતના ૫૭ વિદ્યાર્થીઓ અને યુવાનોનું પ્રતિનિધિ મંડળ આસામ ગયું છે. જ્યારે આસામથી ૧૮ યુવાનો ગુજરાત આવ્યા છે. આ યુવાનોએ રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ગોષ્ઠિ કરી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રવાસ, પરંપરા,પ્રગતિ, પ્રૌદ્યોગિકી અને પરસ્પરના સંપર્ક-આદાન પ્રદાનથી પરસ્પરનો વિકાસ થાય છે. નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી છેલ્લા કેટલાક વર્ષોમાં પૂર્વોત્તર રાજ્યોએ ઘણો વિકાસ કર્યો છે. ઉન્નતિનો એક મુખ્ય માર્ગ શાંતિ છે. જ્યાં શાંતિ છે ત્યાં જ પ્રગતિ છે. એ જ પ્રદેશ પ્રગતિ કરે છે જેની પાસે બુદ્ધિપૂર્વક મહેનત કરવાની ક્ષમતા છે. ગુજરાતની પ્રગતિ અને વિકાસની વાતોનો અહેવાલ તૈયાર કરીને, તેમાંથી પ્રેરણા લઈને આસામના વિકાસ માટે શું કરી શકાય તે અંગેનો અહેવાલ પોતાની ભાષામાં આસામ સરકાર સુધી પહોંચાડવા તેમણે યુવાનોને અનુરોધ કર્યો હતો.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની સંકલ્પના અને નિર્માણ નરેન્દ્રભાઈ મોદીને આભારી હોવાનું જણાવતા આચાર્ય દેવવ્રતજીએ ઉમેર્યું હતું કે, ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી છે. અહીં માળખાકીય સુવિધાઓ ઘણી વિકસી છે. આ બધું જ અન્ય રાજ્યો માટે ઉદાહરણનીય અને અનુકરણીય છે. તેમણે યુવાનોને પોતાના પ્રદેશના વિકાસમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
આસામના બે યુવાનો ધ્રુવજ્યોતિ રોય અને હિમરાજ ગોગોઈએ ગુજરાત યાત્રાના પોતાના અનુભવોનું વર્ણન કર્યું હતું. આ અવસરે આઇઆઇટી, ગાંધીનગરના ડાયરેક્ટર શ્રી પ્રો. રજત મુના અને પ્રો. શિવપ્રિયા કીરુબકારન ઉપસ્થિત રહ્યા હતા.