ભારતના લોકોને વધી રહેલો વિદેશનો મોહ છેલ્લા 11 વર્ષમાં 16 લાખ ભારતીયોને વિદેશ ખેંચી જવામાં સફળ રહ્યો છે. ભારતીયો અન્ય દેશોનું નાગરિકત્વ અપનાવી રહ્યા છે ત્યારે વર્ષ 2022માં જ 1,83,741 લોકોએ ભારતની નાગરિકતા છોડી હતી. આ જ આંકડો 2021માં 1.63 લાખ નો થતો હતો.
એક વિહંગાવલોકન મુજબ અમેરિકા આજે પણ ભારતીયોની સૌથી પહેલી પસંદ છે. છેલ્લા 11 વર્ષમાં 78 હજાર ભારતીયો અમેરિકાના નાગરિક બની ચૂક્યા છે. જ્યારે 23 હજાર લોકોએ ઓસ્ટ્રેલિયા, 21 હજાર લોકોએ કેનેડા અને 14 હજાર ભારતીયોને બ્રિટને પોતાનું નાગરિકત્વ આપ્યું છે.
ભારતને છોડીને લાખો લોકો વિદેશોના નાગરિક બની રહ્યા છે તો સ્ટુડન્ડ વિઝા ઉપર જતાં લોકો પણ ત્યાં વર્ક પરમિટ મેળવીને ત્યાં સ્થાયી થવાનો ક્રેઝ પણ વધી રહ્યો છે. આવા સંજોગોમાં દર વર્ષે ભારતમાંથી લાખો સ્ટૂડન્ટ્સ અભ્યાસાર્થે વિદેશ જાય છે. જો કે, કેનેડા જવાનો ક્રેઝ છેલ્લા કેટલાક સમયથી સ્ટૂડન્ટ્સમાં વધવા પામ્યો છે. ભારતના સૌથી વધુ સ્ટૂડન્ટ્સ કેનેડા જતા હોવાનું જોઈ શકાય છે. એની પાછળ એક કારણ એવું પણ આપવામાં આવે છે કે, કેનેડાના વિઝા સરળતાથી મળે છે અને સાથે સ્ટૂડન્ટ્સ માટે કામ કરવાના નિયમો પણ હળવા છે. એટલું જ નહિ, કેનેડાથી અમેરિકાજવામાં સરળતા રહે છે. તો વળી જર્મની પણ સ્ટુડન્ડ માટે ફેવરિટ બની રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓ ભણવાની સાથે વિદેશમાં જ સ્થાયી થવાના આયોજન સાથે જ સ્ટુડન્ટ વિઝા ઉપર જતા હોય છે.
ભારતીયો સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. જો કે કયા દેશમાં કેટલી સંખ્યામાં છે તેના આંકડા રસપ્રદ છે. જે મુજબ વર્ષ 2020ની સ્થિતિએ 1.8 કરોડ ભારતીયો વિદેશોમાં રહેતા હતા. જેમાં દુબઈમાં સૌથી વધુ 35 લાખ ભારતીયો રહે છે. ત્યારબાદ અમેરિકા 27 લાખ ભારતીયો સાથે અમેરિકા બીજા નંબરે આવે છે. જ્યારે સાઉદી અરેબિયા 25 લાખ ભારતીયો સાથે ત્રીજા નંબર પર છે. અન્ય દેશોની વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રિટન, ઓમાન, કુવૈત, કતાર જેવા દેશોમાં પણ ભારતીયોની સંખ્યા ઘણી મોટી છે. વિદેશમાં રહેતા ભારતીયો દર વર્ષે ભારતના અર્થતંત્રમાં પણ મોટું યોગદાન આપી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે વિદેશના મોહમાં લાખો લોકો ભારત છોડી રહ્યા છે. એટલું જ નહિ, સ્ટડી માટે જતાં વિદ્યાર્થીઓ પણ વિદેશમાં જ સેટલ થવાના સપનાઓ સાકાર કરવા પ્રયાસ કરતાં હોય છે.