સવારે ગરમ પાણીની ડોલમાં હાથ બોંળ્યો તો પાણી ત્રાડ નાખીને બોલ્યું.. “ઠંડા હાથ ન અડાડ”.
ઉપરનું વાક્ય માત્ર મજાક સમજવાને બદલે ઠંડીની તીવ્રતાનો અનુભવ કરાવવા માટે લખ્યું છે. હાડ થીજાવી નાખતી ઠંડી હોય તો ન્હાવાની વાત તો દૂર, ગોદડામાંથી બહાર નીકળવાનું જ મન ન થાય. આવી ઠંડીમાં કોઈક તમને એમ કહે કે, સ્નાન નહિ કરો તો ચાલશે. ત્યારે એ તમને સાક્ષાત ભગવાનનો અવતાર લાગે એમ બેમત નથી. હા, શિયાળાની સવારે નાહવું એ કોઈ સમસ્યાથી કમ નથી. જે લોકો ઉનાળામાં દરરોજ સ્નાન કરે છે તેઓ પણ શિયાળામાં કટીસ્નાનથી ચલાવી લેતા હોય છે.
વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં દરરોજ નહાવાની લોકોની ટેવને વધુ સારી રીતે સમજાવવામાં આવી નથી. જો કે, વધુ પડતી ઠંડીમાં નહાવાથી સ્વાસ્થ્ય અને શરીરને થતા નુકસાનની પણ ગણતરી કરવામાં આવી છે. કેટલાક રિસર્ચ કહે છે કે જો તમે દરરોજ સ્નાન કરો છો તો તમે તમારું નુકસાન કરી રહ્યા છો. જેમાં, રોગપ્રતિકારક શક્તિ ઘટવી, જંતુઓ અને વાયરસ સામે લડવાની ક્ષમતા નબળી પડવી, શરીરમાં ચેપ લાગવા જેવી સંભાવનાઓ વધી જાય છે. એટલું જ નહિ, ત્વચાના એક્સપર્ટ્સના કહેવાય મુજબ દરરોજ અથવા વધુ પડતા સ્નાનથી ત્વચામાંથી કુદરતી તેલ નીકળી જાય છે. ગરમ પાણીથી વધુ નુકસાન થાય છે. આવી સ્થિતિમાં વિજ્ઞાન કહે છે કે જો તમે શિયાળામાં બે-ત્રણ દિવસ સુધી સ્નાન ન કરો તો પણ તે તમારા વાળ, ત્વચા અને શરીરના સ્વાસ્થ્ય માટે વધારે સારું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્નાનના મુદ્દે, ભારતની પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદનો અભિપ્રાય વિજ્ઞાનના સંશોધનોથી સાવ અલગ છે. આયુર્વેદના કહેવા મુજબ, શિયાળો હોય કે ઉનાળો, આયુર્વેદ દરરોજ સ્નાનને ખૂબ જ મહત્વપૂર્ણ માને છે. માત્ર શરીરની સફાઈ માટે જ નહીં પણ સારા સ્વાસ્થ્ય માટે પણ નિયમિતપણે સ્નાન કરવું જોઈએ.