ટેન્શન એટલે કે તણાવ સાથે જીવી રહેલા લોકો માટે અહી આપેલી કેટલીક ટિપ્સ ઉપયોગી થઈ પડશે. આવો જાણીએ કે તનાવમાં રહેતા લોકોને ટેન્શન ફ્રી થવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
ભાગદોડના આ જમાનામાં માણસ કાયમ માટે ટેન્શનમાં રહેતો હોવાનું જોવા મળે છે. આ કારણસર માણસને કેટલીક બીમારીઓ પણ લાગુ પડી શકે છે. આવા સ્ટ્રેસ, તણાવ અને ચિંતાને દૂર કરવા માટે, માણસે કેટલીક બાબતોની કાળજી રાખવી અત્યંત આવશ્યક થઈ રહે છે.
કોઇકે કહ્યું છે ને કે ધાર્યું તો રાજા રાવણનું પણ નથી થયું. મતલબ, જો રાવણ પણ પોતાનું ધાર્યું કરી શક્યો નહોતો તો સામાન્ય માનવીની શું વિસાત? આથી ચિંતા નહિ કરવાની. ફિકર કરવાથી જ ટેન્શનમાં વધારો થતો જોવા મળે છે. એક ઉક્તિ છે કે,
“ફિકર સબકો ખા ગઈ, ફિકર સબકા પીર..
ફિકર કી ફાકી કરે, ઉસકા નામ ફકીર.”
આમ, ફિકરની ફાકી કરીને જીવનાર માણસની તબિયત ક્યારેય બગડતી નથી.
બીજું અત્યંત આવશ્યક પગલું છે ભૂલી જવું. સ્વભાવ ભૂલકણો હોય એવા લોકોનું દુખ લાંબો સમય ટકી શકતું નથી. તમારે ભૂતકાળને ભૂલીને વર્તમાનમાં જીવતા શીખી લેવું પડશે.
નેગેટિવ વિચારો ધરાવતા લોકોથી દૂર રહો. પોતે તો કોઈ રચનાત્મક કાર્ય કરવું ન હોય પણ બીજા કોઈક કરે ત્યારે તેને પણ હતોત્સાહ કરતી વાતો કરતાં રહેનારા નેગેટિવ લોકોથી હમેશા અંતર જાળવો.
હમેશા હકારાત્મક વિચારો. તમારી વિચારસરણી જ્યારે હકારાત્મક બનશે ત્યારે તમે ક્યાંય, ક્યારેય પણ અટકશો નહિ. પોતાનામાં વિશ્વાસ રાખો અને ક્યારેક અંતરાય આવે ત્યારે, આ કામ મારાથી નહીં થાય એવા નમાલા વિચારો કરવાનું છોડી દઈને, મજબૂત બનો. એટલું યાદ રાખો કે, વાહન ચલાવતા લોકોને પણ સ્પીડબ્રેકર આવતા જ હોય છે. એના કારણે લોકો વાહન ચલાવવાનું બંધ કરી દેતા નથી. એ જ રીતે, જીવનમાં ચડાવ – ઉતાર તો આવતા જ રહેવાના. એના કારણે આ અમૂલ્ય જીવન છોડી ન દેવાય.
ખાસ કરીને સરળ અને આયોજનપૂર્વકની લાઈફ સ્ટાઈલ રાખો.
કેટલાક લોકો બે – ત્રણ કામો એક સાથે કરતાં હોય છે. આવા સંજોગોમાં તમે એ એક કામ ઉપર ફોકસ નહીં કરી શકો. જેના કારણે નહીં ઘરનો કે નહિ ઘાટનો જેવી સ્થિતિ પેદા થવાની સંભાવના રહેલી છે. આનાથી બચવા માટે એક સમયે માત્ર એક જ કામ હાથ ઉપર લો.
રચનાત્મક પ્રવૃત્તિઓ ઉપર ધ્યાન આપવાથી પણ તમે સ્ટ્રેસમાંથી મુક્તિ મેળવી શકો છો. દિવસનો કેટલોક ભાગ તમારા પોતાના માટે ફાળવો. તો થોડોક ભાગ પરિવાર અને બીજો કેટલોક ભાગ વડીલો માટે પણ ફાળવવો જરૂરી છે.
સ્વપના જોવા એ ખરાબ નથી પણ એ સ્વપનાને પૂરા કરવા માટે ખોટો રસ્તો પસંદ કરવો એ ખરાબ બાબત છે. સ્વપ્ન પૂરું કરવા માટે નિષ્ઠાપૂર્વકની સખત મહેનત જરૂરી છે. જો મહેનત કરવા છતાં પણ સફળ થવામાં વિલંબ થાય કે નિષ્ફળતા મળે તો નિરાશ થઈને તનાવમાં સરી પડવાની જરૂર નથી. જો કે, ઉછીના પૈસા લેવા કે ગેરકાયદે કરવામાં આવતા કામ પણ લોકોને તનાવની ઊંડી ગર્તામાં ધકેલી દેતા હોય છે. આથી આ બધાથી તો ખાસ દૂર રહેવાની આવશ્યકતા છે.
જ્યારે કોઈ બારી કે રસ્તો ન મળે ત્યારે બધા પ્રશ્નોનો ઉકેલ સમયને સોંપી દેવાથી પણ તણાવમુક્ત રહી શકાય છે એમાં બેમત નથી.