સોશિયલ મિડિયાના ફાસ્ટ યુગમાં જાણવા છાતી જીવનમાં ઉતારી નહીં શકાતી કેટલીક બાબતોને કારણે માણસે પાછળથી પસ્તાવાનો વારો આવે છે. આવા સંજોગોમાં જો આવી બાબતો પ્રત્યે પહેલાથી જ ધ્યાન આપવામાં આવે તો સંકટ સમયે અગમચેતીના પગલાં લઈ શકાય.
જુવો, આ છે ધ્યાન આપવા જેવી કેટલીક બાબતો.
ખોટા માણસો સાથે ચર્ચામાં ન પડો. તમને સમજવા માટે જે તૈયાર જ ન હોય એવા સાથે ચર્ચાનો મતલબ, સમય બગાડવા સમાન છે. આવા લોકો સામે મૌન રહો અને પોતાનું કામ કરતાં રહો.
ખરાબ સમય હોય કે પડકારજનક કામ હોય, ક્યારેય હાર ન સ્વીકારો. આવી પરિસ્થિતિ તામારે માટે આશીર્વાદ સમાન સાબિત થાય છે. કારણ કે, આવા ટાસ્ક કે અગવડતા તમને જે નવી શીખ આપવાની સાથે સાથે તમને મજબૂત બનાવે છે.
અરીસા સામે પણ ખોટું બોલતા લોકો પાસે ક્યારેય ઈમાંદારીની આશા ન રાખતા. જુઠ્ઠા લોકો કંઇ પણ કરી શકે અને બોલી શકે છે. ઈમાનદારી જેવી મૂલ્યવાન બીજી કોઈ વસ્તુ નથી. તેની અપેક્ષા બધા પાસેથી રાખવી વ્યર્થ છે. જો કે, બની શકે તો આવા બેઈમાન, મક્કર, દગાબાજ, પીઠ પાછળ ઘા કરનાર લોકોને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ. સામેની વ્યક્તિ ઉપર તરત જ વિશ્વાસ મૂકી દેનાર લોકોને ભોળા નહીં પણ ભોટ કહેવામાં આવતા હોય છે.
તમે જ્યારે હારી થાકીને બેસી ગયા હોય ત્યારે કોઈ તમને સમજાવવા કે પ્રેરણા આપવા નહીં આવે. બીજાના ભરોસે રહેનાર વ્યક્તિ ઠેર નો ઠેર રહે છે. લક્ષ્ય સુધી પહોંચવા માટે, માણસે જાતે જ ચાલવું પડે છે.
શક્ય હોય ત્યાં સુધી દરેક પળે હસતાં રહો. કોઈનું કડવું વેણ મન ઉપર લઈને ઉદાસીની ગર્તામાં ધકેલાઇ જવાની આદત કાઢી નાખો.
તમે મુશ્કેલીમાં ફસાયેલા હોય અને કોઈક આવીને તમને બચાવશે એવી અપેક્ષા રાખવી વ્યર્થ છે. યાદ રાખો કે કુદરતે તમને એટલા સક્ષમ તો બનાવ્યા જ છે કે તમારી લડાઈ તમે જાતે લડી શકો. પેલી કાગડા અને કાબરની વાર્તા, મોટા ભાગના લોકોએ સાંભળી હશે. એટલે જ કહેવાયું છે કે, કોઇકની અપેક્ષા, હમેશા નિરાશામાં જ પરિવર્તિત થાય છે.
તમારા નિર્ધારિત લક્ષ્ય સુધી જ્યાં સુધી પહોંચી જતાં નથી ત્યાં સુધી માત્ર કામ કરતાં રહો. કામ શ કરતાં પહેલા જ મોટી મોટી વાતો કરીએ અને પછી નિષ્ફળતા મળે ત્યારે માણસ થોડા ટેન્શનમાં આવી જતો હોય છે. આના બદલે તમારા કામને જ બોલવા દો.
સફળ થવા માટે પહેલા પ્રાથમિક તૈયારી ખાસ જરૂરી છે. આયોજન વગર શરૂ કરેલું કામ, નિષ્ફળતા જ નોતરે છે. તમે બધા જ સારા નરસા પાસાનો વિચાર કરીને પૂરેપૂરા તૈયાર થઈ જાવ. પછી જ એ કામમાં પૂરી લગનથી લાગી પડો તો તમને સફળ થતાં કોઈ અટકાવી નહીં શકે.
બહાના બનાવવાનું બંધ કરો. બહાનું બટાવવાથી આજે તો તમે એમાંથી છટકી શકો છો પણ કાલે ફરી પાછા એમાં ફસાઈ શકો છો. કોઈ કામ કાલ ઉપર છોડશો તો એ અધૂરું જ રહેશે. કાલ ક્યારેય આવતી નથી. તમારે જે કામ કરવાનું હોય એ આજે જ કરી લેવું પડે. આવો નિયમ રાખવાથી છેલ્લી ક્ષણે તમારે ભગંભાગ કરવી નહીં પડે. માત્ર કામ, કામ ને કામ. એ જો જીવનમંત્ર હશે તો તમે લક્ષ્ય સુધી જલ્દી પહોંચી શકશો.
કોઇની સામે ઉગ્ર પ્રતિક્રિયા આપવાનું બંધ કરો. બોલેલ શબ્દો પાછા ફરતા નથી. પ્રતિક્રિયા આપતા ઉતાવળ લોકો સમજદાર નથી હોતા. તમે સમજદાર બનો.
બધુ તમારા કંટ્રોલમાં લેવા પ્રયત્ન ન કરો. તમારાથી થાય એટલું, નિષ્ઠાપૂર્વક કરતાં રહો. બાકીનું તમે કુદરત ઉપર છોડી શકો છો.
ટોચ ઉપર પહોંચવા માટે સતત પ્રયત્નશીલ રહો. ત્યાં જૂજ લોકો જ હોય છે. જ્યારે નીચે તો અત્યંત ભીડનો સામનો કરવો પડે છે. આ ભીડનો સામનો કરીને ટોચ ઉપર પહોંચેલો વ્યક્તિ ક્યારે અભિમાની કે તોછડો નથી હોતો. જો કે ટોચ ઉપર પહોંચવા માટે તમારે ઉપરના બધા મુદાઓને ધ્યાન પૂર્વક અનુસરવા પડશે।