જીવન છે તો જીવનના દરેક પાસા સરખા હોતા નથી.ક્યારેક આશાન હોય તો ક્યારેક મુશ્કેલીથી ભરેલું હોય.અને જીવનમાં મુશ્કેલીઓ તો આવતી-જતી રહે છે, જેના કારણે આપણે ક્યારે પણ હતાશ ન થવું જોઈએ, મુશ્કેલીથી બચવાની કોશિશ કરવી જોઈએ, અને સામનો કરીને આગળ વધવું જોઈએ. આ વાત ગૌતમ બુદ્ધે તેના શિષ્ય આનંદને સમજાવી હતી.
ગૌતમ બુદ્ધને લગતી એક ઘટનાની વાત કરીએ.ગૌતમ બુદ્ધ તેમના શિષ્ય આનંદ સાથે કૌશામ્બી નગરમાં રોકાયા હતા. કૌશામ્બીની રાણી બુદ્ધને પસંદ કરતી ન હતી, તે બુદ્ધનું વારંવાર અપમાન કરતી હતી.તે બુદ્ધ માટે હંમેશા કડવા વેણ જ બોલતી.
તો બીજી તરફ રાણીએ તેના નોકરોને આદેશ આપ્યો કે, બુદ્ધને જુદી જુદી રીતે ત્રાસ આપે અને તેમને ભગાડી જવા માટે કહ્યું હતું. રાણીનો આદેશ મળતાં જ ઘણા લોકોએ બુદ્ધને હેરાન-પરેશાન કરવાનું શરૂ કર્યું હતું.બુદ્ધને વારંવાર પરેશાન કરવા લાગ્યા.જ્યારે સમસ્યાઓ વધવા લાગી ત્યારે એક દિવસ આનંદે બુદ્ધને કહ્યું કે આ લોકો જાણીજોઈને આપણને ત્રાસ આપે છે, આપણું અપમાન કરે છે. એટલા માટે આપણે આ જગ્યા છોડીને આગળ વધવું જોઈએ.
તે સમયે બુદ્ધે આનંદને એક વાત કહેવા કહ્યું કે, આ જગ્યા છોડીને આપણે ક્યાં જઈશું? જ્યાં પણ જઈએ ત્યાં પણ આ જ પ્રકારના લોકો આપણે મળે તો શું કરીશું? સમસ્યાઓ દરેક જગ્યાએ હોય છે. સમસ્યાનો કોઈ અંત નથી. આપણે તેમનો સામનો કરવો જોઈએ અને તો જ આ સમસ્યાઓનો અંત આવી શકે છે.
બુદ્ધે વધુમાં કહ્યું કે જો આ લોકો આપણું અપમાન કરી રહ્યા છે તો આપણે ધીરજ અને સહનશીલતા સાથે તેમનો સામનો કરીશું.જો આપણે ધીરજ રાખીશું, તો એક દિવસ આપણે ચોક્કસ તેમના મનમાં પોતાનું સ્થાન બનાવીશું.
ગૌતમ બુદ્ધની આ વાતમાં એ સંદેશ મળ્યો છે કે આપણે સમસ્યાથી ડરીને ભાગવું જોઈએ નહીં. સમસ્યાઓનો સામનો કરીને જ તેને દૂર કરી શકાય છે.