દહેરાદુનથી મુંબઈ લાવવામાં આવેલા ભારતીય ટીમના વિકેટકીપર ઋષભ પંતનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું છે. જો કે, તેને રમતમાં પાછા ફરતા 6થી 9 મહિના લાગી શકે છે. પરિણામે IPLની આ વર્ષની સિઝનમાં ઋષભ પંતની રમત જોવાનો લાભ દર્શકો ગુમાવી દેશે. જો કે, આમ છતાં પણ તેને પૂરેપૂરી રકમ ચૂકવવામાં આવશે.
ઋષભ પંતને દિલ્હી કેપિટલ્સે પંતને 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જો કે મેચ શરૂ થતા પહેલા જ ઋષભને અકસ્માત નડ્યો હતો. પરિણામે તેના ઘૂંટણના ત્રણ લીગામેન્ટ્સ તૂટી ગયા હતા. જેના કારણે હવે તે IPLમાં રમવા માટે ફિટ રહી શક્યો નથી. એમ છતાં તેને નક્કી થયેલી પૂરેપૂરી રકમ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
અસલમાં વાત એવી છે કે ઋષભ પંતને BCCIની સેન્ટ્રલ કોન્ટ્રેક્ટ લિસ્ટ “એ” માં રાખવામાં આવ્યો છે. આવા લિસ્ટના ખેલાડીઓને 5 કરોડ રૂપિયા આપવામાં આવે છે. BCCI આ રકમની સાથે જ તેમને IPL ટીમ દિલ્હી કેપિટલ્સથી મળનારી સેલરી પણ ન રમવા છતાં ચૂકવશે. હકીકત એવી છે કે, સેન્ટ્રલ કોન્ટ્રેક્ટમાં સામેલ બધા ખેલાડીઓનો વીમો BCCI મારફત કરવામાં આવતો હોય છે. પરિણામે, BCCI ના નિયમો અનુસાર ઇજાને કારણે IPLમાંથી બહાર થવાની સ્થિતિમાં આ ખેલાડીઓને IPLની ટીમ નહીં પણ બોર્ડ તરફથી પૂરી ચૂકવણી કરવામાં આવે છે. બોર્ડને વીમા કંપની દ્વારા ચૂકવવામાં આવશે.
જો કે, ગત્ તા. ૩૦ ડિસેમ્બરના રોજ થયેલા અકસ્માતમાં પંતના માથામાં, ઘૂંટણ અને ઘૂંટી ઉપર ઇજાઓ થઇ હોવાને કારણે, વર્લ્ડ કપ સહિત 7 મોટી ટુર્નામેન્ટ પંત મિસ કરી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં દિપક ચહર, સચિન તેંડુલકર, યુવરાજસિંહ, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા વગેરે ક્રિકેટર્સની પણ આવી સારવાર કરી ચૂક્યા છે.