શહેરમાં પણ સુવિધાના અભાવમાં પીડાતા લોકો, ગુજરાતના આ ગામડાને જોઈને ગાંડા ન થઇ જાય તો જ નવાઈ. ગુજરાતનું પેરિસ ગણાતું આ ગામ, શહેરમાં પણ જોવા ન મળે એવી અત્યાધુનિક સુવિધાઓથી સભર છે.
હા, સુરતથી 35 કિમીના અંતરે આવેલા બાબેન ગામમાં કોઈ વાતની કચાશ જોવા નહિ મળે. આ ગામના લોકો મુખ્યત્વે ખેતી,પશુપાલન, ખેત મજુરી અને ગામની બાજુમાં આવેલી ખાંડની ફેક્ટરીમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ ગામની અંદર વિવિધ પ્રકારની એવી સગવડતાઓ કરવામાં આવી છે કે, શહેરની સુવિધાઓ પણ બાબેન ગામની સામે વામણી લાગે.
બાબેન ગામમાં 12 મીટર પહોળા રસ્તાઓ છે. એટલું જ નહીં ચોખ્ખા અને રેસ લગાવી શકાય એવા રસ્તાઓની વચ્ચે ડિવાઈડર, બંને બાજુ સ્ટ્રીટ લાઈટ, પાણીના નિકાલ માટે અંડરગ્રાઉન્ડ ગટરો, પીવાના પાણી માટે RO સિસ્ટમની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. RO પ્લાંટમાં શુદ્ધ થઈને આવતું મિનરલ વોટર સાવ મફત! એ સાથે ગામમાં પાણીની મોટી 6-6 ટાંકીઓ મારફતે ઘરે ઘરે પાણી પહોંચાડવા માટે નળ કનેક્શનની સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે.
આશરે એક કરોડના ખર્ચે બનાવેલું સરોવર આ ગામનું આકર્ષણ નું કેન્દ્ર છે. સરોવરની વચ્ચે સરદાર વલ્લભભાઇ પટેલની મૂર્તિ. એક વિશાળ ઉદ્યાન ઉપરાંત પર્યાવરણને સાનુકૂળ રાખવા 30 હજાર જેટલા વૃક્ષોની હારમાળા. આ સાથે 24 કલાક ગામને મળતી વીજળી અને ગામની બધી જ શેરીઓમાં 24 કલાક નજર રાખતા CCTV કેમેરાની સુરક્ષા પણ અદભુત રીતે ગોઠવવામાં આવી છે.
બાબેનના યુવાનો માટે ક્લબ હાઉસ, જિમ, સ્વિમિંગ પુલ વગેરેની સુવિધા પણ ઉપલબ્ધ છે. બાબેન ઉપરાંત આસપાસના વિસ્તારોના યુવાનોને શિક્ષણ આપવા માટે એક વિશાળ શૈક્ષણિક સંકુલ પણ આવેલું છે. જેમાં ફાર્મસી,પોલિટેકનિક, MBA જેવા 8 વિષયો સાથે આધુનિક એન્જીનીયરીંગ કોલેજ પણ છે.
દક્ષિણ ગુજરાતમાં આવેલા અને 95% મકાનો પાક્કા ધરાવતા આ ગામને smart village કહેવું પડે એમાં બેમત નથી.