પોતાના વ્હાલસોયા સંતાન માટે લોકો બધું કરી છૂટતા હોય છે. એમાં પણ જયારે બાળક મૂંગું કે તોતડું હોય ત્યારે તો વાલી ડોક્ટરોના પગથિયાં ઘસવામાં કચાશ નથી રાખતા. એમ છતાં જ્યારે સફળતા ન સાંપડે ત્યારે લોકો બાધા – આખડીનું શરણું લેતા હોય છે. આવી જ એક માન્યતા નડિયાદના સંતરામ મંદિર વિષે પ્રવર્તે છે. જો બાળક બોલતું ન હોય તો નડિયાદના સંતરામ મંદિરે પોષી પૂનમના દિવસે બોર ઉછાળવાની બાધા રાખવામાં આવે છે. બાળક બોલતું થયા પછી નડિયાદ આવીને સંતરામ મંદિરના ચોકમાં બોર ઉછાળવામાં આવતા હોય છે. આ વર્ષે પણ પોષી પૂનમના દિવસે હજારો મણ બોર ઊછળ્યા હોવાનું જાણવા મળે છે. ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા શ્રદ્ધાળુઓએ નડિયાદ સંતરામ મંદિર ખાતે આવીને બોરની ઉછામણી કરી હતી.
સમગ્ર ગુજરાતમાં વિખ્યાત થયેલા નડિયાદ સ્થિત સંતરામ મંદિર અને સંતરામ મહારાજ અને ગુરુ પરંપરાના મહંતો દ્વારા કરાયેલા તપના તેજથી તપેલી પવિત્ર ભૂમિ છે. પોષી પૂનમના દિવસે અહીં શ્રદ્ધાળુઓ સાવ કિલોથી માંડીને પોતાના બાળકના વજન જેટલા બોર ઉછાળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નડિયાદ ખાતે આવેલા શ્રદ્ધાના પ્રતીક સામ સંતરામ મંદિરખાતે દર વર્ષે પોષ સુદ પૂનમના દિવસે ભારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. જેને કારણે મુખ્ય માર્ગો પર ટ્રાફિક જાળવવામાં પોલીસને ભારે મહેનત કરવી પડી હતી. એમ છતાં મુખ્ય માર્ગો પર ટ્રાફિકજામનાં દ્રશ્યો જોવા મળતા હતાં. નડિયાદના જૂના બસ સ્ટેન્ડથી માંડીને પારસ સર્કલ, સંતરામ રોડ ઉપર પણ ભારે ટ્રાફિકજામનાં દ્રશ્યો જોવા મળ્યાં હતાં. જયારે સંતરામ મંદિર બહાર જાણે મેળો ભરાયો તેમ બોરાની રેકડીઓથી લઈને પાથરણાવાળાઓ મોટી સંખ્યામાં જોવા મળતા હતા.