દર વખતે લોકસભાની ચૂંટણી પહેલા દેશના કેન્દ્રીય બજેટમાં સરકાર તરફથી કરદાતાઓને ખુશ કરવા માટે, કરવેરા સહીત સંખ્યાબંધ લોભામણી જાહેરાતો કરવામાં આવતી હોય છે. આ વર્ષે કરદાતાઓ તથા વેપારીઓ અને કંપનીઓ બજેટ 2023-24માં ઘણી બધી અપેક્ષા અને આશાઓ સેવી રહ્યા છે.
દેશમાં મોદી સરકાર આવ્યા બાદ ઇન્કમ ટેક્સના નિયમમાં ક્યાં-ક્યાં ફેરફાર કર્યા જેથી એક સામાન્ય માણસને ફાયદો થયો, કે નુકસાન ?
કોરોના મહામારી, મોંઘવારી અને મંદીથી ના કારણે પરેશાન સામાન્ય વ્યક્તિથી લઇ ને વેપારીઓ અને કંપનીઓ આગામી 1લી ફેબ્રુઆરી 2023ના રોજ સંસદમાં રજૂ થનારા કેન્દ્રીય બજેટ 2023– 24થી ઘણી બધી અપેક્ષાઓ અને આશાઓ સેવી રહ્યા છે. ભારતના નાણાંમંત્રી નિર્મલા સિતારમનનું પાંચમુ અને આ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલાનું કેન્દ્રીય બજેટ હોવાથી, આ બજેટને ઘણું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યુ છે. આ બજેટ પર નોકરીયાત વર્ગ અને મધ્યમ વર્ગની ખાસ નજર રહેશે. કારણ કે દર વખતની જેમ ચૂંટણીઓ પહેલાના બજેટમાં સત્તાધારી રાજકીય પક્ષ ઇન્કમ ટેક્સ સ્લેબમાં ફેરફાર સહિત ઘણી બધી લોભામણી લોકપ્રિય જાહેરાતોની ઘોષણાઓ કરી શકે છે. છેલ્લે છેક વર્ષ 2014માં ઇન્કમ ટેક્સ સ્લેબમાં ફેરફાર કરાયો હતો. તો ચાલો જાણીયે કે મોદી સરકારે વર્ષ 2014થી 2022 સુધી માં ટેક્સમાં શું શું ફેરફાર કર્યા છે, શું તેનાથી સામાન્ય વ્યક્તિને ફાયદો થયો, કે તેમના ખિસ્સા કપાશે ?
બજેટ વર્ષ 2014
વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી જીત્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રચાયેલી કેન્દ્ર સરકારનું પહેલું બજેટ જુલાઈ 2014માં તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ રજૂ કર્યું હતું. તે વર્ષે બજેટમાં કરમુક્ત વાર્ષિક આવકની મર્યાદાને બે લાખ રૂપિયાથી વધારીને 2.5 લાખ રૂપિયા કરી દેવામાં આવી હતી. જયારે સિનિયર સિટીઝનસ માટે ટેક્સ ફ્રી ની વાર્ષિક આવકની મર્યાદાને પણ 2.5 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરી દેવામાં આવી હતી. ઉપરાંત આવકવેરા કાયદાની કલમ 80(c) હેઠળ ઉપલબ્ધ કર કપાતની મર્યાદાને વર્ષ 1.1 લાખ રૂપિયાથી વધારીને 1.5 લાખ રૂપિયા કરવામાં આવી છે. તથા હોમ લોનના વ્યાજની કરકપાત મર્યાદાને 1.5 લાખ રૂપિયાથી વધારીને 2.5 લાખ રૂપિયા કરી દેવાઈ.
બજેટ વર્ષ 2015
નામાંકીય વર્ષ 2015ના કેન્દ્રીય બજેટમાં હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ પરની કર મુક્તિ મર્યાદાને 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવામાં આવી હતી. તે જ રીત સિનિયર સિટીઝનસ માટે આ કર મુક્તિની મર્યાદા ને 20,000 રૂપિયાથી વધારીને 30,000 રૂપિયા કરી દેવામાં આવી હતી. જયારે બજેટમાં વેલ્થ ટેક્સ ને નાબૂદ કરવામાં આવ્યો હતો. 1 કરોડથી વધુ વાર્ષિક આવક ધરાવતી વ્યક્તિઓ ઉપર સરચાર્જ 10 ટકાથી વધારીને 12 ટકા કરીદેવામાં આવ્યો હતો.
બચત યોજનાઓ ઉપર લાભમાં વધારો
2015માં નાની બચત સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવા ઉપર મળતા વ્યાજને કરમુક્ત કરવાની જાહેરાત કરાઈ હતી. નેશનલ પેન્શન સ્કીમ (NPS)માં રોકાણ પર 50 હજાર રૂપિયાની કર મુક્તિની પણ જાહેરાત કરાઈ હતી.
બજેટ વર્ષ 2016
વર્ષ 2016ના બજેટમાં 5 લાખથી ઓછું કમાતા લોકો માટે ટેક્સ રિબેટ 2000 રૂપિયાથી વધારીને 5000 રૂપિયા કરવામાં આવ્યો હતો. ભાડું ચૂકવતા વ્યક્તિઓ માટે કલમ 80GG હેઠળ કર મુક્તિ 24,000 રૂપિયા થી વધારીને 60,000 રૂપિયા કરવામાં આવી હતી. 1 કરોડથી વધુ વાર્ષિક આવક ધરાવતી વ્યક્તિઓ પર સરચાર્જ 12 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ શું આગામી બજેટ વર્ષ 2023માં મધ્યમ વર્ગની આશા-અપેક્ષા પૂરી થશે? શું નાણામંત્રી ‘ધ ગ્રેટ ઈન્ડિયન મિડલ ક્લાસ’ને થોડી રાહત આપવા માં સફળ થશે?
બજેટ વર્ષ 2017
વર્ષ 2017 ના બજેટમાં કરદાતાઓને 12,500 રૂપિયાનું ટેક્સ રિબેટ આપવામાં આવ્યુ હતુ. 2.5 લાખથી 5 લાખ રૂપિયા સુધીની આવક પર આવકવેરાનો દર 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો હતો. 50 લાખથી 1 કરોડ રૂપિયાની વાર્ષિક કરપાત્ર આવક ધરાવનારા લોકો ઉપર 10 ટકાનો સરચાર્જ લાદવામાં આવ્યો હતો. 3.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકો માટે કલમ 87A હેઠળ કર મુક્તિ 5,000 રૂપિયાથી ઘટાડીને 2,500 રૂપિયા કરાઈ હતીછે.
બજેટ વર્ષ 2018
શેરબજારમાંથી કરેલી 1 લાખ રૂપિયાથી વધારાની કમાણી પર 10 લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ (LTCG) ટેક્સ લાદવામાં આવ્યો. જયારે સિનિયર સિટીઝનસ ને બેંક અથવા પોસ્ટ ઓફિસમાં જમા થાપણોમાંથી થતી 50,000 રૂપિયા સુધીની વ્યાજની આવકને કર મુક્તિ અપાઇ હતી, જે અગાઉ 10,000 રૂપિયા હતી. સિનિયર સિટીઝનને તબીબી – મેડિકલ ખર્ચ માટે કર કપાતની મર્યાદાને 30,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરાઈ હતી.
બજેટ વર્ષ 2019
નાણાંકીય વર્ષ 2019માં પીયૂષ ગોયલે લોકસભાની ચૂંટણીઓને કારણે ફેબ્રુઆરી મહિનામાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં વાર્ષિક 5 લાખથી ઓછી કમાણી કરતા કરદાતાઓ ઉપર 0 ટેક્સની ઘોષણા કરવામાં આવી હતી. ટેક્સ રિબેટની મર્યાદા 2500 રૂપિયાથી વધારીને 12500 રૂપિયા કરવામાં આવી હતી. સ્ટાન્ડર્ડ ડિડક્શન 40,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરવામાં આવ્યું હતું.
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી બાદ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે દેશમાં પૂર્ણ કેન્દ્રીય બજેટ રજૂ કર્યુ હતુ. આ બજેટમાં 2 થી 5 કરોડ રૂપિયાની આવક પર સરચાર્જ 3 ટકા અને 5 કરોડથી વધુની આવક પર 7 ટકાનો સરચાર્જ વધારી કરાયો હતો.
બજેટ વર્ષ 2020
નાણાંકીય વર્ષ 2020ના બજેટમાં ઓલ્ટરનેટિવ ઇન્કમ ટેક્સની ઘોષણા કરાઈ હતી. તેમાં કરદાતાઓ માટે જૂના પરંપરાગત ઇન્કમ ટેક્સ સ્લેબ અને નવા વૈકલ્પિક કર સ્લેબ આ બંને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ બજેટમાં ઓલ્ટરનેટિવ ટેક્સ સિસ્ટમમાં કર કપાત અને 30 ટકા ટેક્સ સ્લેબની મર્યાદા વધારવા માટે ની માંગણી કરવામાં આવી હતી
બજેટ વર્ષ 2021
75 વર્ષથી વધુ ઉંમરના પેન્શનધારકોને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગમાંથી મુક્તિ અપાઈ હતી, પરંતુ શરત મુકવામાં આવી હતી કે તેમની આવક પેન્શન અને બેંક વ્યાજમાંથી થતી હોવી જોઇએ. સ્ટાર્ટઅપ કંપનીઓ માટે ટેક્સ હોલિડે 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો.
બજેટ વર્ષ 2022
વર્ષ 2022ના બજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સ અંગે કોઈ પણ ઘોષણા કરવામાં આવી ન હતી.