નાના પડદા ઉપર ધૂમ મચાવી રહેલી સિરિયલમાં અભિનય કરી રહેલી મોનિકા ભદોરિયા આ સિરિયલ છોડી રહી છે. તેના બદલે નવીના વાડેકરને આ પાત્ર માટે પસંદ કરવામાં આવી હોવાનું નિર્માતા દ્વારા જણાવવામાં આવ્યું છે.
હા, રેકોર્ડ બ્રેક એપિસોડ કરનારી સબ ટીવી ઉપર ચાલતી “તારક મહેતા કયા ઉલ્ટા ચશ્મા” સિરિયલ દર્શકોને અત્યંત પ્રિય થઈ પડી છે. સિરિયલ શરૂ થવાના સમયે, બધા કામ પડતાં મૂકીને પરિવારના સભ્યો ટીવી સામે ગોઠવાઈ જતાં હોવાનું કહીએ તો વધુ પડતું નહીં ગણાય. લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા કેટલાક સમયથી વિવિધ કારણોસર ચર્ચામાં હતો. તારક મહેતા શોમાં જોવા મળેલા ઘણા કલાકારોએ ભૂતકાળમાં આ શો ને અલવિદા કહી દીધી છે. એટલું જ નહિ, તારક મહેતા શોના મુખ્ય નિર્દેશક પણ શો છોડવાના સમાચાર પણ ફરતા થયા હતા.
આ તમામ અટકળો વચ્ચે તારક મહેતા શોમાં હવે એક નવી ચર્ચા શરૂ થવા પામી છે. તારક મહેતા શો માં દર્શકોના મનપસંદ કલાકાર એવા બાઘા ની પ્રેમિકા એવી બાવરીનો રોલ ભજવતી અભિનેત્રી પોતાની તકીયા કલામને કારણે જાણીતી બની ગઈ છે. “ગલતી સે મિસ્ટેક હો ગઈ” વારંવાર બોલતી મોનિકા ભદોરીયા લાંબા સમયથી બાઘાની ગર્લફ્રેન્ડનો રોલ કરી રહી હતી. હવે તે આ શો છોડી રહી છે. તેના સ્થાને શોના નિર્માતાઓએ આ પાત્ર માટે નવો ચહેરો શોધી કાઢ્યો છે.
તારક મહેતા.. ના નિર્માતા અસિત મોદીએ બાવરીના પાત્રરૂપે શોમાં નવી એન્ટ્રી વિશે કન્ફર્મેશન આપતા ઉમેર્યું હતું કે, હું હંમેશા બાવરીના પાત્ર માટે એક તાજા અને નિર્દોષ ચહેરાની શોધમાં હતો અને સદભાગ્યે અમને તે ચહેરો મળ્યો. હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં બાવરીના પાત્રમાં નવીના વાડેકર જોવા મળશે.
હવે ફરી એકવાર લોકોને બાઘા અને બાવરીની ક્યૂટ કેમેસ્ટ્રી જોવા મળશે. તારક મહેતા માં આ નવી એન્ટ્રીને લઈને આ શો ઘણી ચર્ચામાં છે અને તારક મહેતાના નિર્માતાઓને આ નવી એન્ટ્રી અંગે પૂછતાં તેઓએ સ્વીકૃતિ આપી હતી.
અસિત મોદીએ જણાવ્યું હતું કે, દર્શકો દ્વારા પસંદ કરાયેલો સૌથી લોકપ્રિય શો છે. અમારે અમારા દર્શકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવું જરૂરી છે. નવીના વાડેકરને બાવરી તરીકે પ્રેક્ષકો સામે મૂકવા માટે ઘણી પ્રતિભાઓનું ઓડિશન લીધા બાદ પસંદગી કરવામાં આવી છે.