દયાબેન વીલ બી બેક (*શરતો લાગુ)
દયાબેનનું પાત્ર ભજવી રહેલી “Tarak mehta ka ulta chashma” કોમેડી ટીવી સિરિયલની અભિનેત્રી દિશા વાંકાણી, શો માં પરત ફરે એવા એંધાણો વર્તાઈ રહ્યા છે. જો કે દિશાની વાપસી માટે તેના પતિએ ત્રણ શરતો મૂકી હોવાનું જાણવા મળે છે.
“Tarak mehta ka ulta chashma”ના નિર્માતા અસિત મોદીએ જણાવ્યું હતું કે, તારક મહેતા શો ની સમગ્ર ટિમ ઈચ્છે છે કે દિશા વાકાણીની રી – એન્ટ્રી થાય. આ સિરિયલમાં જેઠાલાલ એટલે કે દિલીપ જોશી અને દયાબેનની જોડીએ ખાસ્સુ આકર્ષણ જમાવ્યું હોવાને કારણે દર્શકોમાં પણ દયાબેનની ડિમાન્ડ રહેવા પામી છે. ઉપરાંત દયાબેનના ગરબા અને દયાબેનના આગવા અવાજથી ગોકુલધામનો સેટ ગુંજતો થાય એવા પ્રયાસો પણ પ્રોડક્શન ટિમ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.
દયાબેનના કમબેક માટે દિશા વાંકાણીના પતિએ ત્રણ શરતો મૂકી છે. જેમાં (૧)દિશાને દર એપિસોડ માટે દોઢ લાખ રૂપિયા મળવા જોઈએ, (૨)દિશા દિવસમાં માત્ર ત્રણ જ કલાક કામ કરશે. કેમ કે, તેણે પોતાના બાળકનું પણ ધ્યાન રાખવું પડશે અને (૩)’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર એક ઘોડિયાઘર સહિતની નર્સરી બનાવવામાં આવે. જ્યાં દિશા શૂટિંગ સિવાયના સમયમાં પોતાના બાળક સાથે રહી શકે. હવે જોવાનું એ રહ્યું કે, નિર્માતા દ્વારા દિશાના પતિની આવી માંગણીઓ સિવકારવામાં આવે છે કે ઠુકરાવવામાં આવે છે એ બાબત પણ વિચાર માંગી લે એવી છે. કારણ કે જો દિશાના પતિની આવી માંગણી સ્વીકારાય તો કદાચ ભવિષ્યમાં નવી માંગણીઓ સાથે નવી શરતો લાવવામાં આવે.
આવા સંજોગોમાં પ્રોડક્શન ટિમ દ્વારા દિશાને રિપ્લેસ પણ કરવામાં આવી શકે છે. જો કે દિશાના પતિની આવી માંગણીઓના પરિણામે દયાબેનની આ શો માં વાપસી ઉપર પ્રશ્નાર્થ ખડો થવા પામ્યો છે. જો કે, અસિત મોદીના જણાવ્યા અનુસાર દિશા વાંકાણીને જ દયાબેનનું પાત્ર કરવા માટે સમજાવવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. છતાં જો દિશાના પતિનો નનૈયો જ ચાલુ રહેશે તો દયાબેનના ઢાંચામાં અન્ય અભિનેત્રીને ઢાળવાનો પ્રયાસ કરવામાં આવશે. જેનાથી દર્શકોને દયાબેનના અસલ અવાજ અને તેમની આગવી છટા પણ ફરીથી જોવા – સાંભળવા મળી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2008થી પ્રસારિત થઇ રહેલી આ કોમેડી ટીવી સિરિયલ tmkoc માં દિશા વાકાણીએ દયા બેનનું પાત્ર ભજવીને પોતાની એક અલગ ઓળખ બનાવી હતી. દિલીપ જોશી અને દિશા વાકાણીની જોડી પણ દર્શકોએ પસંદ કરી હતી. જો કે, ચાર – પાંચ વર્ષ પહેલા માતૃત્વ પ્રાપ્ત કરવા માટે, દિશાએ શો માંથી લીધેલી રજા હજુ સુધી પુરી નહીં થતા દર્શકોમાં અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે.