દેશના પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું અચાનક મૃત્યુ થયું હતું. જો કે, ભારતના વડાપ્રધાનના રહસ્યમય મૃત્યુ અંગે કોઈ પ્રકાશ પાડવામાં આવ્યો ન હતો. પરિણામે આ ઘટના અંગે છેક સુધી કોઇ પડદો નહીં ઉચકાતા આ રહસ્ય, છેક સુધી રહસ્ય જ રહેવા પામ્યું હતું.
તાશ્કંદ કરાર પછી લાલબહાદુર શાસ્ત્રીજીનું મૃત્યુ થવાની ઘટનાને સમયાંતરે વિસારે પાડી દેવામાં આવી. જો કે, વિવેક અગ્નિહોત્રી નિર્દેશિત ફિલ્મ “ધી તાશ્કંદ ફાઇલ્સ” શાસ્ત્રીજીના રહસ્યમય મૃત્યુને ઉજાગર કરવામાં સફળ થાય એના માટે ખાસ પ્રયત્ન કરવામાં આવેલો છે. આ ફિલ્મનું એક ટ્રેલર પણ તાજેતરમાં રિલિજ કરવામાં આવ્યું છે. 2 મિનિટ અને 44 સેકન્ડ ના આ ટ્રેલરમાં ડાયલોગ અને એક્ટિંગ દર્શકોને જકડી રાખે એવી છે. જેમાં પ્રારંભથી અંત સુધી શાસ્ત્રીજીના જીવન અને મૃત્યુની વાત કરવામાં આવી છે. સમગ્ર ફિલ્મ નિહાળ્યા પછી પણ શાસ્ત્રીજીના મૃત્યુનું રહસ્ય કોઈ ઉકેલી શકવાનું નથી એ હકીકતને નજરઅંદાજ કરી તો પણ આજના યુવાવર્ગને ભારતના આ પૂર્વ વડાપ્રધાન અને બાળકોના પ્રિય એવા લાલબહાદુર શાસ્ત્રી વિષે ઘણું જાણવાનું મળશે એ તો ચોક્કસ છે. આ ફિલ્મ આગામી તા. 12, એપ્રિલના દિવસથી સિનેમાઘરોમાં જોવા મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇ. સ. 1966 ના જાન્યુઆરી મહિનાની 10 તારીખે પાકિસ્તાન સાથે શાંતિ માટે થયેલા તાશ્કંદ કરારના ગણતરીના કલાકોમાં જ ભારતના વડાપ્રધાનનું અકાળે અવસાન થયું હતું. લાલબહાદુર શાસ્ત્રીના અચાનક ( કે રહસ્યમય) મૃત્યુ બાબતે ભારતની પ્રજાને ખાસ કોઈ જાણકારી આપવામાં આવી ન હતી.