દક્ષિણ ગુજરાતના મીની સોમનાથ તરીકે પૌરાણિક તીર્થધામ તરીકે સ્થાન પામેલ સ્તંભેશ્વર મહાદેવ તીર્થ એ કાવી કંબોઈ ગામ ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકામાં આવેલું છે. કંબોઈ ગામે આવેલ આ પવિત્ર સંગમ સ્થળે મહી નદી અને ખંભાતના અખાતનો સંગમ થયેલ છે. આ સંગમ સ્થાને શિવપુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્તંભેશ્વર મહાદેવ નું લિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે.
સ્તંભેશ્વર મહાદેવનો ઈતિહાસ
એક ઈતિહાસ પ્રમાણે તારકાસુર રાજા દ્વારા ઘોર તપ કરવામાં આવ્યું હતું અને ભગવાન શિવજીએ પ્રસન્ન થઈને બ્રહ્માજી પાસે વરદાન માંગવા માટે કહ્યું. તારકાસુર રાજા એ એવું વરદાન માંગ્યું કે સાત દિવસના બાળક સિવાય તેને કોઈ મારી શકે નહિ. અને પછી તો તારકાસુર રાજા દ્વારા હાહાકાર મચી ગયો અને દેવોને અને ઋષિઓને હેરાન પરેશાન કરવા લાગ્યો તેથી કરીને દેવો બધા ભેગા થઇને ભગવાન શિવ પાસે ગયા અને કહ્યું હે મહાદેવ અમારી તારકાસુરથી રક્ષા કરો.
ત્યારે શિવજીએ દેવોને કહ્યું કે મારો પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા તારકાસુરનો સંહાર થશે. ત્યાર બાદ ભગવાન કાર્તિકેય દ્વારા જન્મના સાતમાં દિવસે તારકાસુરનો વધ કરવામાં આવ્યો. પરંતુ તારકાસુર ભગવાન શિવનો પરમ ભક્ત છે એવી ખબર જયારે કાર્તિકેય સ્વામીને ખબર પડી તો તેમને ખુબ જ દુઃખ થયું, જેના પ્રાશ્ચિત માટે તેમને આ જગ્યા એ શિવલિંગ ની સ્થાપના કરી જે સ્તંભેશ્વર મહાદેવ ના નામે ઓળખાય છે.
ગુપ્ત તીર્થ : સ્તંભેશ્વર મહાદેવ
સ્તંભેશ્વર મહાદેવ તીર્થ અપ્રચલિત/ગુપ્ત કેમ રહ્યું? એક ઈતિહાસ પ્રમાણે બ્રહ્માજીની સભામાં દરેક તીર્થ દેવોને આમંત્રણ આપવામાં આવ્યું. અને બધા વચ્ચે એક સંવાદ થયો કે કોની પૂજા પહેલા કરવામાં આવે? કોઈ તીર્થ પોતાનો પક્ષ લઈને આગળ ના આવ્યો પરંતુ સ્તંભેશ્વર તીર્થે પોતાના પ્રથમ અર્ચન-પૂજન ને લાયક ગણ્યો. આ સભામાં બ્રહ્માજીના પુત્ર ધર્મદેવ પણ હાજર હતા અને તેમને આ અવિવેક ના ગમ્યો અને એમને સ્તંભેશ્વર તીર્થને શ્રાપ આપ્યો કે તમારું તીર્થ ગુપ્ત રહેશે.
પરંતુ બ્રહ્માજી અને કાર્તિકેય સ્વામી વચ્ચે પડીને શ્રાપમાં રાહત અપાવી અને ધર્મદેવે વરદાન આપ્યું કે આ સ્તંભેશ્વર મહાદેવ તીર્થ નું શનિવારની અમાસે જે કોઈ ભાવપૂર્વક દર્શન કરશે તેમને પ્રયાગ, પુષ્કર અને પ્રભાસ ની યાત્રાનું ફળ મળશે.
સ્તંભેશ્વર મહાદેવને સ્વયં સમુદ્ર દિવસમાં બે વખત જળાભિષેક કરીને જાય છે. ભરતીના દિવસે આ શિવલિગ સાથે આખું મંદિર જળસમાધિ લે છે અને એક અનેરું દ્રશ્ય જોવા મળે છે. દિવસમાં બે વખત પાણી મંદિરની નજીક આવે છે અને ધીમે ધીમે પાણી જાતે જ શિવલિંગને જળાભિષેક કરતો જોઇને શ્રધ્ધાળુઓ કુતૂહલ જોવા મળે છે. શ્રાવણ માસે, કાર્તિક માસે, સોમવારી અમાસે ખાસ કરીને શિવભકતો વધુ પ્રમાણમાં આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. શ્રાવણ માસની અમાસે અહિયાં મોટો મેળો ભરાય છે.
છ હજાર વર્ષ પહેલા વેદ વ્યાસ દ્વારા લખેલા સ્કંદ પુરાણમાં સ્તંભેશ્વર તીર્થનો ઉલ્લેખ કરવામાં આવેલ છે તેવુ મંદિરના સંચાલક દ્વારા જણાવામાં આવેલ છે. જે કોઈ આ તીર્થના દર્શન કરશે તેની બધી જ મનોકામના પૂરી થશે અને ભગવાન મહાદેવની કૃપા હંમેશની માટે તમારા પર વરસતી રહેશે.