ગુજરાત પાસે સાંસ્કૃતિક વારસા ની અભૂતપૂર્વ દેન છે. કેટકેટલા મહેલો, કિલ્લાઓ, મંદિરો, ગિરિજાઘરો અને મસ્જિદોનો વારસો છે ગુજરાત પાસે ! મંદિર તો આસ્થાનું ધામ છે. ચિત્ત ને શાંત કરવા પ્રાર્થના કરવામાં આવે અને પ્રાર્થના કરવાનું ઉત્તમ સ્થળ એટલે મંદિર. તો ચાલો આજે ડાકોર પાસે આવેલા સુંદર ગળતેશ્વર મંદિરની મુલાકાત લઈએ.
ગળતેશ્વર મંદિરના બાંધકામ વિશેની માહિતી
ડાકોર થી માત્ર ૧૬ કિમી ના અંતરે આવેલા આ સ્થાન પર સોલંકી યુગનું શિવ મંદિર છે. આ શિવ મંદિર મહી અને ગલતી નદીના સંગમ સ્થાને આવેલું છે. મહી નદીના કિનારા પર સ્થિત આ શિવ મંદિર પર ગલતી નદીનો એક પ્રવાહ સતત શિવલિંગ નો અભિષેક કરે છે. કલા અને બાંધકામમાં અભૂતપૂર્વ કારીગરી સાથે અહીંનો કક્ષ આઠ બાજુ દીવાલો ધરાવે છે. આ દીવાલો ઉપર ભગવાન, ગંધર્વ, માનવો, ઋષિઓ, ઘોડેસવારો, હાથીસવાર, રથ, પાલખી અને માનવ જીવનની ઘટનાઓ, જન્મ થી મરણ સુધીના આંકડાઓ કોતરવામાં આવ્યા છે. જે કલાપ્રેમી માટે આકર્ષણ નું કેન્દ્ર બને છે.
શું કહે છે ગળતેશ્વર મંદિરની દંતકથા ?
એક દંતકથા પ્રમાણે કહેવાય છે કે ભગવાન શિવે આ મંદિરનું નિર્માણ કર્યું હતું. પરંતુ કોઈ તેમને ઓળખી ના લે માટે તેમણે આ કામ રાત્રે શરુ કર્યું. પરંતુ સૂર્ય ના ઉદય પહેલા કામ સંપૂર્ણ ના થતા મંદિર એવું ને એવું જ રહેવા દીધું.
અન્ય વાર્તા મુજબ, મોહમ્મદ ગઝની સોમનાથના મંદિરોને લૂંટવા ગયા પછી આ માર્ગ દ્વારા પાછો આવ્યો હતો અને જ્યારે તેણે ગળતેશ્વરને જોયું ત્યારે ગુંબજનો નાશ કર્યો હતો.
ગળતેશ્વર મંદિરની મુલાકાત કેવી રીતે લઇ શકાય ?
વડોદરા થી સામાન્ય રીતે ડાકોર-ગળતેશ્વર ની બસો ઉપડતી હોય છે. આ ઉપરાંત વડોદરા થી એસ.ટી બસ માં પણ લોકો મુસાફરી કરવાનું પસંદ કરતા હોય છે. વડોદરાના છાણી-જકાતનાકા થી વાસદ ના છકડા ઉપડતા હોય છે, ત્યાંથી લોકો ડાકોર જવાનું પસંદ કરે છે. ડાકોર થી માત્ર ૧૬ કિમી ના અંતરે ગળતેશ્વર મંદિર આવેલું હોવાથી, શ્રદ્ધાળુઓ ડાકોર રણછોડરાય પ્રભુ ના દર્શન નો લ્હાવો ઉઠાવી, ગળતેશ્વર મહાદેવ ના દર્શન કરે છે અને નદી એ સ્નાન કરે છે.
આટલા સુંદર મંદિરમાં દર્શનનો અને ત્યાં નદીએ સ્નાન વિધિનો લ્હાવો તમે ઉઠાવ્યો જ હશે અને ના ઉઠાવ્યો હોય તો જરૂર થી મહાદેવ મંદિરના દર્શન નો લાભ ઉઠાવજો. આવા નવીનત્તમ સ્થળો ની માહિતી મેળવવા જોડાયેલા રહો અમારા પેજ સાથે.