દરેક લોકો ગર્ભશ્રીમંત જન્મતા નથી. કેટલાક શ્રમિકો પોતાની મહેનત અને ધગશરૂપી પૈડા લગાડેલી જીવનરૂપી સાઇકલમાં, ધીરજ અને વિશ્વાસથી પરિશ્રમના પેન્ડલ મારી મારીને સફળતાનાં શિખરો હાંસલ કરતા હોય છે.
ઉત્તર પ્રદેશના મથુરા પાસે આવેલા પચેરા ગામથી, આંખોમાં અમીર થવાના સપના સાથે ગુજરાત આવેલા રમેશભાઈ ગુપ્તાએ અમદાવાદમાં ભેળ – પુરીની લારી શરુ કરી હતી. સ્વાદ અને ગુણવત્તા આપવામાં સફળ રહેલા રમેશભાઈને ધીમે ધીમે ઘરાકી જામવા માંડી. ખાઉં બજાર તરીકે પ્રખ્યાત એવા માણેકચોકમાં રહેલી ચેતન ભેળ પુરીના નામથી ચાલતી આ લારીની આવકમાંથી રમેશભાઈને જીવન નિર્વાહ પૂરતી આવક થઇ રહેતી હતી. જો કે, પત્ની ઉપરાંત ત્રણ પુત્રોનો પરિવાર ધરાવતા રમેશભાઈને તો પોતાનો વિકાસ કરવો હતો. ગ્રાહક તરીકે આવતા જૈન વેપારીઓ પાસેથી વ્યાવસાયિક ગુણોના પાઠ ભણીને રમેશભાઈએ પશ્ચિમ વિસ્તારમાં લારી શરુ કરી. 1972 માં સ્થળ બદલીને લો ગાર્ડન પાસે શરુ કરેલી લારીમાં ભેળ પુરી ઉપરાંત પાઉં – ભાજી પણ બનાવવાનું શરુ કર્યું. જો કે, એક પારસી વેપારીની સલાહ માનીને, રમેશભાઈએ પોતાની લારીનું નામ બદલીને ચેતનમાંથી ઓનેસ્ટ કરી દીધું. ત્યાં સુધીમાં સંતાનો પણ પિતાની મદદ કરી શકે એવા તૈયાર થઇ ગયા હતા.
ઓનેસ્ટ પાઉંભાજી માટે રમેશભાઇ, તેમની પત્ની, તેમના ત્રણ પુત્રો તથા બે કારીગર સહિત સાત લોકો ઘરે કાચો માલ તૈયાર કરીને આ લારી ઉપર વ્યસાય અર્થે પહોંચી જતા હતા. ધીમે-ધીમે અમદાવાદના લોકોને ઓનેસ્ટ પાઉંભાજીનો સ્વાદ દાઢે વળગ્યો. સ્વાદનો ચસ્કો લાગવાને કારણે ઘરાકીમાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો. આ લારીમા ઓઈલ વાળી ભાજી પાઉંના માત્ર ૨૫ પૈસા અને બટર વાળી ભાજી પાઉંના ૬૫ પૈસાનો ભાવ રાખ્યો હતો. એમ છતાં એ જમાનામાં પાઉંભાજીની લારીમાંથી દૈનિક રૂ. ૬૦ નું કાઉન્ટર થતું હતું.
ત્રણ સંતાન પૈકી વિજયભાઈએ પિતાના સપનાને સાકાર કરવા કમર કસી અને ઓનેસ્ટ ભાજી પાઉં ના નામથી રેસ્ટોરન્ટ શરુ કરી. મહેનત અને ધગશના નીર સીંચીને વાવેલું ચેતન રગડા પેટીસની લારીરૂપી બિયારણ, એક રેસ્ટોરન્ટરૂપી છોડ બન્યું અને ધીમે ધીમે રેસ્ટોરન્ટની આખી ચેઇનરૂપી વટવૃક્ષ તૈયાર થઇ ગયુ. મધ્યમ વર્ગને કેંદ્રબિન્દુએ રાખીને કરવામાં આવેલું આ સાહસ સફળતાનાં શિખરો સર કરી રહ્યું. આજે ગુજરાતના એક પણ સ્વાદ રસિયા માટે ઓનેસ્ટનું નામ અજાણ્યું નહિ હોય. એટલું જ નહીં, ગુજરાતના સીમાડાઓ ઓળંગીને અમેરિકા સુધી વિસ્તરેલી ઓનેસ્ટની આ ચેઇન, સ્વાદના શોખીનોનું સરનામું બની રહી છે.