દુનિયામાં થતાં અનેક રેકોર્ડની નોંધ રાખવા માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નામની યાદી પ્રસિધ્ધ થતી હોય છે. આવી યાદીમાં ઉડીને આંખે વળગે એવી બાબતની નોંધ થવા પામી છે. એ બાબત એટલે “સૌથી વધુ સંપતિ ગુમાવવાનો રેકોર્ડ”(loss of wealth ) . હા, એલન મસ્ક એટલે દુનિયાના ટોચના ઉદ્યોગપતિ દ્વારા આ રેકોર્ડ કરવામાં આવ્યો છે. દુનિયાભરના ટોચના ધનિકોમાં સામેલ અમેરિકી અબજોપતિ એલન મસ્કે સૌથી વધુ સંપત્તિ ગુમાવીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. જો કે, આ રેકોર્ડ પોતાના નામે કર્યો એવું કહેવું યોગ્ય એટલે નહિ ગણાય કે, એલન મસ્ક એવા ઉદ્યોગપતિ છે કે જે, માત્ર રેકોર્ડ કરવા માટે આટલી મોટી સંપતિ ગુમાવે તો નહીં જ. જો કે, એલન મસ્ક એવા પણ ઉદ્યોગપતિ છે કે, આટલી મોટી સંપતિ ગુમાવી દે તો પણ તેઓને ખાસ કોઈ ફરક પડતો ન હોય.
આ સંપતિ ગુમાવવાનું અને તેના લીધે ગિનિસ બુકમાં રેકોર્ડ થયાનું કારણ એ છે કે, ટેસ્લાના શેરમાં થયેલા મોટા પાયે કડાકાને કારણે, મસ્કે એક વર્ષમાં અંદાજે 200 અબજ ડોલર એટલે કે આશરે 6.47 લાખ કરોડ રૂપિયા ની સંપત્તિ ગુમાવી છે.
વર્ષ 2021માં ફોર્બ્સ મેગેઝિન અનુસાર એલન મસ્કની સંપત્તિ 26.35 લાખ કરોડ રૂપિયા હતી. તે 2023 માં ઘટીને 11.36 લાખ કરોડ થઇ ચૂકી છે. આટલા ઓછા સમયમાં મોટા પાયે સંપત્તિ ગુમાવવામાં મસ્કે 22 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જાપાનના ટેક રોકાણકાર માસાયોશી સોનએ ઇ. સ. 2000 ના વર્ષમાં 4.82 લાખ કરોડ ગુમાવ્યા હતા.