અઠવાડિયામાં ત્રણ દિવસ રજા મળવાની ખુશાલીમાં કર્મચારીઓની કુશળતામાં નોંધાયો વધારો
બ્રિટનની વિવિધ કંપનીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા પાઇલોટ પ્રોજેક્ટને સફળતા મળતા, અન્ય કંપનીઓ દ્વારા પણ ચાર દિવસીય સપ્તાહની થીમ અમલમાં મુકવામાં આવે એવી સંભાવના બળવત્તર બનવા પામી છે. ફોર ડે વીક માટેની કાર્યકારી ચકાસણી અને વિશ્વની સૌથી મોટી અજમાયશ બ્રિટનમાં સફળ રહી છે. જેના સંદર્ભે મોટાભાગની સહભાગી કંપનીઓએ જાહેરાત કરી હતી કે તેઓ નવા કાર્યકારી મોડલને વળગી રહેશે.
બ્રિટનમાં અનેક કંપનીઓએ અઠવાડિયામાં ચાર દિવસ કામ કરવા અને ત્રણ દિવસની રજા માટે ટ્રાયલ શરૂ કરી હતી. આ ટ્રાયલનો અહેવાલ તાજેતરમાં પ્રકાશિત થયો હતો, આ અજમાયશ સફળ રહી હોવાનું જાણવા મળ્યું છે. બ્રિટનમાં કર્મચારીઓને પણ આ પોલિસી ખૂબ જ પસંદ આવી રહી છે. સમગ્ર યુ.કે.માં 61 કંપનીઓના કર્મચારીઓએ જૂન અને ડિસેમ્બર 2022 દરમિયાન, સપ્તાહના ચાર દિવસમાં સરેરાશ 34 કલાક કામ કર્યું હતું.
આ પાયલોટ પ્રોગ્રામ બિન-લાભકારી જૂથો ‘ફોર ડે વીક ગ્લોબલ’, ‘ફોર ડે વીક યુકે કેમ્પેઈન’ અને ઓટોનોમી દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત લગભગ 3,000 કર્મચારીઓને માત્ર 4 દિવસમાં ઓફિસનું કામ પૂરું કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જે પાંચ દિવસમાં થઈ જતો હતો. જ્યારે અહેવાલ પ્રકાશિત થયો ત્યારે પરિણામ ખૂબ જ ચોંકાવનારું હતું. આ દરમિયાન, તમામ કર્મચારીઓ પૂરા ઉત્સાહ સાથે કામ કરતા જોવા મળ્યા હતા અને કંપનીની ઉત્પાદકતા અને ગુણવત્તા પર કોઈ ખાસ અસર થઈ ન હતી. આશ્ચર્યની બાબત તો એ સામે આવી કે, માત્ર ચાર દિવસનું અઠવાડિયું કરવા છતાં આવી કંપનીઓની ઉત્પાદકતામાં ઘટાડો નોંધાવા પામ્યો ન હતો. જેની પાછળ,બાકીના ત્રણ દિવસ સુધી કર્મચારીઓને મળનારી રજા કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ નવીન પ્રયોગની સર્વત્ર પ્રશંસા કરવામાં આવી રહી છે. એટલું જ નહિ, કર્મચારીઓ પણ આમ ખુશી ખુશી સંમત થયા છે. એટલું જ નહીં, ચાર દિવસીય સપ્તાહની અમલવારીને કારણે, વીજપુરવઠો, અવર – જવરમાં ઇંધણનો ખર્ચ ઉપરાંત અનેક ક્ષેત્રે બચત થવાની આશા સેવાઈ રહી છે.