પોતાના અંગત કામ અર્થે રજા ઉપર ગયેલા કર્મચારીને ઓફિસ કામ સબબ ફોન કરવાના બદલામાં ફોન કરનારા સહકર્મચારી કે ઉપરી અધિકારીને એક લાખનો દંડ કરવાની જોગવાઈ હોય તો? રજા ઉપર ગયેલા કર્મચારી કે અધિકારીને પોતાની રજામાં ખરેખર કેવી અને કેટલી બધી મજા આવે એ સમજી શકાય એવી બાબત છે.
આવો નિયમ બનાવનારી કદાચ આ પહેલી કંપની બની હશે. Dream11 નામની કંપની કે જ્યાં, કર્મચારી માટે રજા એટલે ખરા અર્થમાં રજા. એટલું જ નહિ, જો બોસ પણ રજાના દિવસે કર્મચારીને ફોન કરે તો તેણે પણ ભોગવવો પડે એક લાખનો દંડ. આવી અનોખી કંપની ડ્રીમ11ની ‘અનપ્લગ પોલિસી'(Unplug Policy) અનુસાર કર્મચારીઓ વર્ક-સંબંધિત ઈમેલ, મેસેજ, કોલ્સ અને તેમના સહકર્મચારીઓથી એક અઠવાડિયાની રજા લઈ શકે છે.
આ કંપની Dream11 ના જણાવ્યા આનુસાર, રજા પર ગયેલ કર્મચારીને દરેક સંભવિત સંપર્ક માધ્યમોથી રજાના સમયગાળા પૂરતા અલગ રાખવામાં આવશે. જેના પરિણામે બાકી રહી ગયેલા કામ, ઇ-મેઇલ અને વોટ્સ એપ ગ્રુપથી પણ તે કર્મચારીઓને મુક્તિ આપીને રજા માણવાનો પુરતો સમય આપવામાં આવશે. એટલું જ નહીં, ખાસ પોતાના અંગત કામ અર્થે રજા પર ગયેલા કર્મચારીને તેમના હકની રજા ભોગવવા દેવાના આશયથી કંપનીના કોઈ પણ સંપર્ક સૂત્રો મારફતે સંપર્ક કરી નહિ શકાય. આમ છતાં જો સંપર્ક કરવાનો કોઈ પ્રયત્ન કરશે તો તેણે એક લાખનો દંડ ભોગવવાનો આવશે એમ કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે.
Dream11 ની નવી પોલિસીને કારણે કર્મચારીઓ ખુશ હોવાનું જાણવા મળી રહ્યું છે. પોતાના કર્મચારીઓને કંપનીની તમામ સિસ્ટમો અને ગ્રુપથી દૂર રહેવાનો વિકલ્પ આપવો એ પણ કર્મચારીને મળતો મોટો બેનિફિટ ગણી શકાય. સાત દિવસ સુધી કામકાજના કોલ્સ, ઇમેઇલ, મેસેજ અથવા તો WhatsAppથી પરેશાન કરવામાં નહિ આવે. કંપનીએ આપેલો આ વિકલ્પ પોતાના મનગમતા સમયમાં માત્ર પોતાનું જ કામકાજ કરવાનો સમય આપતો હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કંપનીએ આપેલી આવી સુવિધાઓને કારણે, દૂરના અંતરિયાળ ક્ષેત્ર કે પર્વતો પર જતા સમયે નેટવર્ક ન હોવાનો ડર કે વસવસો કર્મચારીઓને રહેશે નહીં. આ સુવિધાને કારણે માનસિક શાંતિ અને સતત રહેતા કામમાં રિચાર્જ થવાનો સમય મળી રહેશે એવું પણ કર્મચારીઓ માની રહ્યા છે. કંપનીના કામમાંથી હંગામી ધોરણે ડિસ્કનેક્ટ થયેલો કર્મચારી, આ સમય દરમિયાન પોતાની જાતને રીફ્રેશ કરી શકે છે. જેના પરિણામે કર્મચારી શ્રેષ્ઠ પરફોર્મન્સ આપવા માટે ફ્રેશ, ખુશ અને નવી એનર્જી પ્રાપ્ત કરી શકશે.