તમે સાવ અંતરિયાળ વિસ્તારમાં રહો છે કે જ્યાં રસ્તા તો નથી પણ ઇલેક્ટ્રિસિટી પણ નથી. આવા વિસ્તારમાં પેટ્રોલ પંપની આશા રાખવી તો વ્યર્થ જ ગણાય ને? જો કે આ બધી અડચણો હોવા છતાં તમારે ટ્રેક્ટરની મદદથી ખેતી કરવી હોય તો એ શક્ય છે ખરું? ના, ચસકી નથી ગયું. આ લખનારનું મગજ બરાબર ઠેકાણે જ છે. તો તમે એવો વિચાર કરો છો ને કે ટ્રેક્ટર ચલાવવા માટે ઈંધણ ક્યાંથી લાવશો, પેટ્રોલ પંપની તો કોઈ જ આશા દેખાતી નથી. આનો વિકલ્પ મળી ગયો છે. પેટ્રોલ કે ડીજલ વગર પણ ટ્રેક્ટર ચલાવી શકાય એવો વિકલ્પ મળી ગયો છે. તમે કલ્પના પણ નહિ કરી હોય એવો વિકલ્પ બ્રિટનની એક કંપની શોધી કાઢ્યો છે.
હા, ગાયના છાણમાંથી ટ્રેક્ટર ચલાવવાનો વિકલ્પ કોઈના દિમાગમાં ફિટ બેસતો નહોતો. આખરે આ કંપનીએ એવું ટ્રેક્ટર લોન્ચ કર્યું કે જેને ઈંધણ ગાયના છાણમાંથી મળી રહે. ગાયના છાણ ને ટ્રેક્ટરની પાછળ બનાવેલી એક ચેમ્બરમાં ભરી દેવામાં આવે છે. આ ટ્રેક્ટર પાછળ લગાડેલી મોટર મારફતે છાણને ફ્યૂઅલમાં પરિવર્તિત કરવામાં આવે છે. એટલું જ નહિ, આ ફ્યૂઅલને કારણે પ્રદૂષણની માત્ર નહિવત હોવાનું પણ કંપની દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
ક્લાઈમેટ ચેન્જના સંકટનો સામનો કરવા માટે આ ઈંધણ ખૂબ મદદરૂપ થઈ શકશે એવું પણ બ્રિટનની આ કંપનીનું માનવું છે. વૈજ્ઞાનિકોના મતે આ ટેક્નોલોજી વાતાવરણમાંથી મિથેનને મોટી માત્રામાં દૂર કરીને ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે. કાર્બન ડાયોક્સાઇડ કરતા 80 ગણી વધુ ગરમી પેદા કરવાની મિથેનમાં ક્ષમતા છે. તેથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો હલ ઝડપથી થાય એવી અપેક્ષા કંપની દ્વારા રાખવામાં આવી રહી છે. કંપનીને આશા છે કે આ ટેક્નોલોજીના વ્યાપક ઉપયોગથી સમય જતાં એક દિવસ ગ્રામીણ વિસ્તારોમાં ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટેનો યોગ્ય વિકલ્પ પણ મળી શકશે.
વૈજ્ઞાનિકના મતે 100 ગાયોનું ટોળું દર વર્ષે ત્રણ ટન કાર્બન ડાયોક્સાઈડ જેટલું મિથેન ગેસ ઉત્પન્ન કરે છે. મિથેન વાયુ એ સૌથી શક્તિશાળી ગ્રીનહાઉસ વાયુઓ પૈકી એક છે. આ મિથેન વાયુ કાર્બન ડાયોક્સાઇડની સમાન માત્રા કરતાં 30 ગણી વધુ ગરમી ઉત્પન્ન કરે છે. તદુપરાંત 150 જેટલી ગાયોના વાડામાંથી દર વર્ષે 140 પરિવારોના કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનને પણ સંતુલિત કરી શકશે.
આ સાહસ દ્વારા જીરો બજેટ ફાર્મિંગને પ્રોત્સાહન મળવાની સંભાવનાઓ ઊજળી બની છે.